લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વર્ષ 2020ને ગુડબાય કહીને 2021ને આવકારવા માટે આપણે સૌ આતુર છે. બધા માટે નવુ વર્ષ એટલે નવી આશાઓ. આપણને આશા છે કે આવનારા વર્ષમાં આપણે કોરોના સામેનો જંગ જીતી જઈશું અને બધુ જ પહેલા જેવુ સામાન્ય થઈ જશે. પણ અત્યારે ઉજવણીની વાત કરીએ તો આ વર્ષે કોઈજ તહેવારો આપણે વિતેલા વર્ષોની જેમ નથી મનાવી શક્યા. ન્યૂયર ઈવ પણ પહેલાની જેમ નહી મનાવી શકીએ. ગુજરાતના તમામ મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ છે જેથી આપણે મોડા સુધી બહાર પણ નહી રહી શકીએ. ત્યારે ઘરમાં રહીને જ આ વર્ષે ઉજવણી કેવી રીતે કરી શકાય તે વિચારીએ.
આ વર્ષે જે કંઈ બન્યું તેમાં ઈશ્વરનો આભાર તો માનવો જ રહ્યો. કારણ કે તમે પોતાની જાત સાથે અને પરિવારજનો સાથે વધુ સમય ફાળવી શક્યા. આ દરમિયાન તમારી સ્વજનો સાથેની યાદોનું એક મેમરી બોર્ડ બનાવો. જેમાં તમે પરિવારજનો સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હોય, કોઈ નાનકડી ટ્રીપ તમે તેમની સાથે કરી શક્યા હોવ કે પછી કોઈ ચેરિટીનું કામ તમે કર્યું હોય જેના કારણે તમે આનંદ અને ગર્વ અનુભવી શક્યા હોવ. આ તમામને સાથે રાખીને એક મેમરી બોર્ડ બનાવો જે લાઈફટાઈમ તમારા માટે યાદગાર બની રહેશે.
તમારા જૂના મિત્રો કે સંબંધીઓ જેમની સાથે તમે ઘણાં સમયથી વાત નથી કરી તેમને ફોન કરીને વિશ કરો અને તેમના ખબર-અંતર પૂછો. આ વર્ષે આપણને સૌથી મોટો બોધપાઠ એ જ આપ્યો છે કે કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિને નજરઅંદાજ ન કરવી. ક્યારે કોની જરૂર પડી જાય તે કોઈને ખબર નથી. માટે જૂના સંબંધોને તાજા કરવા માટે આ સમય એકદમ યોગ્ય છે.<br />તમારૂ ન્યુયર ઈવ સેલિબ્રેશન સારૂ રહે અને 2021નું વર્ષ તમારા માટે ઘણી ખુશીઓ અને સારૂ સ્વાસ્થ્ય લઈને આવે તેવી શુભકામનાઓ.