કોરોના કાળમાં શરદી કે ઉધરસ થવાથી જ આપણી ચિંતા વધી જાય છે. વળી ચોમાસાની આ ઋતુમાં ધણીવાર ઋતુ પ્રમાણે શરદી કે ઉધરસ થઇ શકે છે. જો કે તેમ છતાં સાવચેતી લેવી ખૂબ જ જરૂરી છે. કફની પ્રકૃતિ હોય તો કોરોના સંકટમાં આ લોકોને ખાસ ધ્યાન રાખવું. જો કે આ મહામારી લોકોને શારિરીક રીતે અંદરથી મજબૂત કેમ રહેવું તે પર ભાર મૂકતા શીખવ્યું છે. તો જો તમે પણ નિરોગી રહેવાના પ્રયાસો કરી રહ્યા હોવ મેથી તમારા માટે લાભકારી થઇ શકે છે. આજે અમે તમને મેથીના આવા જ કેટલાક ઉપાયો વિષે જાણકારી આપીશું. જે તમને વાયુ અને પિત્તની સમસ્યામાં મદદરૂપ થઇ શકે છે. સાથે જ શરદી, પાચનતંત્રની સમસ્યા ઓછી કરીને શરીરને અંદરથી મજબૂતી આપી શકે છે.
મેથી કડવી હોય છે. ડાયાબિટીસમાં પેશાબ સાથે જતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનો તે મદદરૂપ થઇ શકે છે. ડાયાબિટીસના દર્દીએ 1 નાની ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લેવી. એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવાથી ચોક્કસ ફાયદો થશે.
શરદી-ઉધરસનો મેથી રામબાણ ઇલાજ માનવામાં આવે છે. મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી ખરાશમાં રાહત મળે છે. તેમજ ઉધરસ અને શરદી જેવી બીમારી પણ જડમૂળથી દૂર થાય છે. ડિસ્કે્લમર- ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. ઉપરોક્ત ઉપાય કરતા પહેલા ડૉક્ટર કે જાણકારની સલાહ લેવી જરૂરી છે.