<br />ફ્રેન્ડશિપ ડે 2021 આવતી કાલે એટલે કે 1 ઓગસ્ટનાં રોજ આવી રહ્યો છે. આ વર્ષનો તે દિવસ છે જેને કોઇ પરિચયની જરૂર નથી. ફ્રેન્ડશિપ બેન્ડ બાંધવાની સાથે સાથે આ વખતે જો કંઇક અલગ રીતે ફ્રેન્ડશિપ ડે ઉજવવાં ઇચ્છતા હોવ તો તમે તમારા ફ્રેન્ડ્સ સાથે વન ડે પિકનિકનો પ્લાન બનાવી શકો છો. કારણ કે ગત વર્ષનો ફ્રેન્ડશિપ ડે તો કોરોનાને કારણે કોઇએ ઉજવ્યો જ ન હતો. પણ આ વખતે કોરોનાનાં કેસમાં ઘટાડો થયો છે ત્યારે તમે તમારા મિત્રોને મળી શકો છો અને થોડા કલાકો સાથે વિતાવી શકો છો. ત્યારે એક દિવસની ટ્રિપ અંગે જો નજીકનાં સ્થળ અંગે માહિતી મેળવીએ જ્યાં તમે ફરવાં જઇ શકો છો. આ ચોમાસાની સિઝનમાં તમને ઝરણાં અને જંગલમાં પણ ખુબજ મજા પડી જશે. સુંદર નયનરમ્ય વાતાવરણની સાથે મિત્રોનો સાથ તમારો ફ્રેન્ડશિપ ડે ખાસ બનાવી દેશે
પોળો ફોરેસ્ટ- અમદાવાદથી 157 KMનાં અંતરે આવેલું છે પોળો ફોરેસ્ટ. હાલમાં વરસાદનાં કારણે ત્યાં લીલોતરી છવાઇ ગઇ છે. અહીંનું વાતાવરણ ઘણું જ શુદ્ધ અને નયનરમ્ય છે. ત્યાં પહોચતા 3.30 કલાક જેટલો સમય લાગે. જેથી આપ જો ત્યાં જવાં માટે વહેલી સવારે છ વાગે નીકળી જાઓ તો 9 વાગ્યે જે તે સ્થળે પહોંચી જાઓ. ત્યાં હાલમાં ખુબ બધી રિસોર્ટ્સ પણ છે તો તમે તેની પણ સર્વિસ લઇ શકો છો તેમજ જાતે જ મિત્રો સાથે જંગલમાં મસ્તી કરવાં જઇ શકો છો. જે માટે ત્યાં ગાઇડ્સ પણ ઉપલબ્ધ છે. વિજયનગર પોળોનાં જંગલ તરીકે ઓળખાતી જગ્યામાં જૈન મંદીર પણ આવેલું છે. ખાસ વાત તો એ છે કે, આ જૈન મંદીરમાં શ્રીકૃષ્ણની મુર્તિઓ જોવા મળે છે.
<br />હાથણી ધોધ- પંચમહાલ જિલ્લામાં આવેલો હાથણી ધોધ અમાદવાદથી 170 કિમીનાં અંતેર આવેલો છે. ત્યાં પહોચતા આપને 3.30 કલાક જેટલો સમય લાગે અહીં ચોમાસામાં જવાની ખુબજ મઝા છે. તેમાં પણ મિત્રોનો સાથ હોય તો અહીં ફરવાની મઝા બમણી થઇ જાય છે. અહીનાં નયનરમ્ય દ્રશ્યો જોઇને આપને અહીંની મુલાકાત લેવાનું અવશ્ય મન થઇ જશે. જ્યાં હાથણી માતાનું અને શીવજીનું મોટુ મંદીર પણ આવેલું છે. આ મંદીર ઉચાઇ પર હોવાથી ત્યાં ચઢીને જવાની પણ મઝા છે. એક પ્રકારે મિત્રો સાથે એડવન્ચરિયસ ટ્રિપ જેવું લાગશે. નાની નાની નહેરો અને કુદરતી દ્રશ્યો મન મોહી લે તેવાં છે
ઝાંઝરી ધોધ- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે.બાયડથી માત્ર 12 કિલોમીટરનાં અંતરે બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે 7 કિ.મી દૂર આ રમણીય સ્થળ આવેલ છે. અમદાવાદથી 70 KMની આસપાસ પડે જ્યાં તમને પહોંચતા 2 કલાકનો સમય લાગે. અમદાવાદથી 70 KMની આસપાસ પડે જ્યાં તમને પહોંચતા 2 કલાકનો સમય લાગે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. તદઉપરાંત આ સ્થળે ગંગામાતાનું મંદિર આવેલ છે કે જયાં ભુતકાળમાં ૨૪ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો.
નિનાઈ ધોધ-નિનાઈ ધોધ અમદાવાદથી 262 કિમીનાં અંતરે આવેલું છે. તે ડેડીયાપડાથી આશરે 35 કિ.મી. અને સુરતથી અંદાજે 143 કિમી દૂર છે. તેની સૌથી નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે જે આશરે 125 કિલોમીટર દૂર છે અને નજીકનું હવાઈમથક સુરત છે. નીનાઈ ધોધની ઉંચાઈ 30 ફૂટથી વધુ છે. તે ડેડીયાપડાનાં સુંદર જંગલોમાં શૂલપાનેશ્વર વન્યજીવન અભયારણ્ય ઉપરાંત આવેલ છે. હાલ ચોમાસાને કારણે જિલ્લાનું સૌથી વધુ આકર્ષણ નીનાઈ ધોધ બન્યું છે. અહીંયા વન વિભાગ દ્વારા આવનાર પ્રવાસીઓને ઓનલાઇન બુકિંગથી લઇને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. પ્રવાસીઓની સેવામાં વન વિભાગ નીનાઈ ધોધ સગાઈ રેન્જ ખાતે કર્મચારીઓ અને વન સમિતિના લોકો તૈયાર છે. નિનાઈ ધોધની મનમોહક સુંદરતાને માણવા આવતા પ્રવાસીઓને ત્યાં જવામાં ક્યારેક થોડી તકલીફ પણ પડતી હોય છે. પરંતુ જો તમે એડવેન્ચરનાં શોખીન હશો તો તમને અહીં મઝા આવશે. અહીં પ્રકૃતિના ખોળે ધોધમાં સ્નાન કરવાનો પણ લ્હાવો છે. જોકે ઘણીવાર અણબનાવ બનાતા કેટલાક પ્રવાસીઓના જીવ પણ ગયા છે જેથી સ્થાનિક પ્રશાસન લોકોને ધોધમાં ન નહાવાનો આગ્રહ કરે છે. જંગલ વચ્ચે વેરાન વિસ્તામાં આવેલા આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો સુંદર છે.
ઝરવાણી ધોધ - ગુજરાતના નાનકડા નર્મદા જિલ્લામાં સૌથી વધુ અને મોટો વન વિસ્તાર છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ કારણે જ નર્મદા જિલ્લાને ગુજરાતનું મીની કાશ્મીર તરીકે પણ ઓળખાય છે. અહીં નર્મદા ડેમની બાજુમાં આવેલો ઝરવાણી ધોધ અપ્રતિમ સૌંદર્ય ધરાવે છે. ઝરવાણી ધોધ જવાનું વિચારતા હોવ તો તેની આસપાસ પણ અનેક જોવાલાયક સ્થળો છે. અમદાવાદથી ઝરવાણી ધોધ પહોંચતા 202 કિમીની આસપાસનો સમય લાગે. જ્યાં જેમકે શૂલપાણેશ્વર મંદિર, શૂલપાણેશ્વર અભયારણ, રાજપીપળામાં આવેલું હરસિદ્ધ મંદિર, રાજપીપળાનો રાજવંત પેલેસ, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ, દુનિયામાં ખ્યાતી મેળવનાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળો પર પણ તમે આનંદ માણી શકો છો.