દરેક મહિલા અને પુરૂષ ઇચ્છતા હોય છે કે, તેમના વાળ લાંબા, ભરાવદાર, મુલાયમ અને સુંદર હોય. જોકે બદલાતી ઋતુમાં, વાળ (Hair) ખરવાની સાથે-સાથે વાળ પણ પાતળા થવાની સમસ્યાનો (hair problem) સામનો ઘણા બધા લોકોને કરવો પડતો હોય છે. વાળ પાતળા થવાના ઘણા કારણો હોય શકે છે. જેમ કે વાળની યોગ્ય રીતે કાળજી ના કરવી, હોર્મોનનું અસંતુલન થવું કે ડાયેટમાં ન્યુટ્રિએન્સની ઉણપ હોવી સહિતના કારણો છે. જો તમને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આ ઘરેલું ઉપાયથી (Tips for healthy hair) આ સમસ્યાને સહેલાઇથી દૂર કરી શકો છો. તો આવો જોઇએ કેટલાક ઘરેલું ઉપચાર.. જેની મદદથી તમે પાતળા વાળને ભરાવદાર કરી શકો છો.
આંબળાના સેવનથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત આપી શકીએ છીએ. આ સાથે પાતળા વાળ માટે આંબળાને સૌથી બેસ્ટ અને ફાયદાકારક માનવામાં આવે છે. જે તમારા વાળને લાંબા, કાળા અને ભરાવદાર કરે છે. આંબળા એન્ટી-ઓક્સિડેન્ટ અને વિટામીન સીથી ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તેને લગાવવાથી અને ખાવાથી બન્ને રીતે તમારા વાળને ભરાવદાર બનાવી શકો છો. તેને ઉપયોગ કરવાની રીત- જો તમે વાળને ભરાવદાર કરવા માંગો છો તો સ્નાન કરતા પહેલા વાળમાં આંબળાનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. જેના માટે તમે બે ચમચી લીંબુના રસમાં બે ચમચી આંબળાનો રસ લો. આ મિશ્રણ સૂકાઇ જાય એટલે તેને સાદા પાણીથી ધોઇ લો.
ડુંગળીનો રસ પાતળા વાળની સમસ્યાને દૂર કરવા માટે સૌથી સારો ઉપાય છે. ડુંગળીના રસમાં સલ્ફર વધારે પ્રમાણમાં હોય છે. જે શરીરમાં કોલેજનના પ્રમાણને વધારે છે જેનાથી વાળ ભરાવદાર થાય છે. તેને ઉપયોગ કરવાની રીત જોઇએ તો- ડુંગળીનો રસ નીકાળીને તેને તમારા વાળમાં 30 મિનિટ સુધી લગાવી રાખો અને ત્યાર પછી તેને માઇલ્ડ શેમ્પુથી વાળને બરાબર ધોઇ લો. પછી જુઓ કમાલ.
મેથીના દાણામાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે. જે વાળને જડમૂળથી મજબૂત બનાવવા અને વાળને લગતી દરેક સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ હોય છે. તેનેઉપયોગ કરવાની રીત - એક ચમચી મેથીની પેસ્ટમાં બે ચમચી નારિયેળ તેલ મિક્સ કરી લો અને વાળમાં 30 મિનિટ સુધી લગાવીને રાખો. ત્યાર પછી તેને શેમ્પુથી ધોઇ લો. આમ સતત એક મહીના સુધી આ ઉપાય કરવાથી વાળ ભરાવદાર અને સાથે જ ઝડપથી વધવા લાગે છે.