

Ganesh Chaturthi 2020 : ગણપત્યથર્વશીર્ષમાં લખવામાં આવ્યુ છે કે, જે ભક્ત ગણેશજીને એક હજાર મોદકનો (Modak) ભોગ ચઢાવે છે, તેમણે ગણેશજી ઇચ્છે તે ફળ પ્રદાન કરે છે અને તે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આપણે એક હજાર તો નહીં પરંતુ સારી ભાવના સાથે જેટલા પણ મોદક ભગવાન ગણેશને ચઢાવીશું બાપ્પા ચોક્કસ ખુશ થશે. તો આજે આપણે તળેલા મોદક બનાવતા શીખીએ.


સૂકા નાળિયેરના તળેલા મોદક માટેની સામગ્રી : બે વાટકા સૂકા કોપરાનું છીણ, એક વાટકી વાટેલી સાકર, બે ચમચા ખસખસ, સાત-આઠ એલચી, બે ચમચી સૂકી દ્રાક્ષ, કાજુના ટુકડા, રવો તથા મેંદો.


રીત : સૂકા કોપરાની પાછળનો બ્રાઉન ભાગ કાઢી લઈ ફક્ત સફેદ ભાગને બારીક છીણી લેવો. હવે એક વાસણમાં ધીમા તાપ પર આ કોપરાના છીણને શેકી તેમાં ખસખસ, સૂકી દ્રાક્ષ, એલચીના દાણાનો પાઉડર, કાજુના અધકચરો કે મોટો ભૂકો, દળેલી સાકર નાખી સરખું મિક્સ કરવું અને પૂરણ તૈયાર કરી લેવું.


ત્યાર બાદ એક તપેલામાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. હવે તેમાં ધીરે ધીરે મેંદો નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો. થોડી વાર પછી બધું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢી લઈ હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા-લૂવા બનાવતા જવા.