આજે ગણેશ ચતુર્થી છે. આ વખતે કોરોના વાયરસનાં સંક્રમણને કારણે મોટા પંડાલોની મંજૂરી આપવામાં નથી આવી જેથી લોકો પોતાના ઘરમાં જ ગણેશજીનો આ ઉત્સવ શાંતિપૂર્વક ઉજવશે. તો આજે પણે ગણેશજીનાં પ્રિય મોદકની પરંપરાગત રીત જાણીશું. સંસ્કૃત ભાષામાં મોદનો અર્થ થાય છે આનંદ એન મોદક એટલે આનંદ આપનાર. ભગવાનના પ્રિય પ્રસાદ એવા મોદકમાં પણ વિવિધતાં જોવા મળી રહી છે. ગણેશજીને નવો જ પ્રસાદ ધરાવવાના ભક્તોના ક્રેઝના કારણે બાપાના પ્રિય મોદકના રંગરુપ બદલાયા છે. મીઠાઈની દુકાનોમાં એક બે નહીં પરંતુ જુદી જૂદી અનેક ફ્લેવરનાં મોદક જોવા મળી રહયા છે. પરંતુ આજે આપણે પરંપરાગત ચોખાના લોટના મોદક બનાવતા શીખીશું.
રીત : લીલા નાળિયેરનું છીણ કરી તેમાં ગોળ અથવા સાકર મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરો. તેમાં ખસખસ, એલચીના દાણા, સૂકી દ્રાક્ષ, માવો અથવા પેંડાનો ભૂકો નાખી હલાવો. ધીમા તાપે સતત હલાવતાં રહો, નહીં તો મિશ્રણ વાસણમાં ચોંટી જશે. મિશ્રણને બરાબર ઘટ્ટ બનાવવું. ઢીલું રહેશે તો મોદક બનાવ્યા પછી મોદક બહારથી ચીકણા થઈ જશે. આ મિશ્રણ એકાદ-બે દિવસ અગાઉ પણ બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.
એક વાસણમાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. હવે તેમાં ધીરે ધીરે ચોખાનો લોટ નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો. થોડી વાર પછી બધું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢી લઈ હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા બનાવવા.
તેના વચ્ચે ખાડો પહેલાથી તૈયાર કરેલું પૂરણ ભરી મોદકના આકારમાં ગોળા બંધ કરતા જાવ. આપણે જે રીતે લીલવાની કચોરી બનાવીએ છીએ તે રીતે મોદકને પણ આકાર આપવો જોઇએ. આમ બધા ગોળામાં પૂરણ ભરાઈ જાય પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. ત્યાર બાદ એના પર એક ચારણીમાં પાતળું કપડું પાથરી એના પર તૈયાર કરેલા બધા ગોળા મૂકી 15 મિનિટ સુધી બાફી લેવા. તે બાદ ઠંડા પડે એટલે આપણો પ્રસાદ તૈયાર છે.