શરીરને પરસેવે રેબઝેબ કરી દેતી ગરમીમાં અમીર કે ગરીબ સૌ કોઈ મધમીઠા શેરડીના રસની મજા માણે છે અને ઠેર ઠેર જાહેર રસ્તાઓ પર લાકડાના મશીનથી લઈને અત્યાધુનિક મશીન વાળા સ્ટોલ કે ઠેલા જોવા મળે છે જ્યાં લોકો શેરડીનો રસ પીવા એકઠા થાય છે. ત્યારે મોટાભાગના સુરતીઓને ખબર નથી કે સુરતમાં સૌપ્રથમ શેરડીનો રસ વેચવાની શરૂઆત વર્ષ 1911માં ઝાંપા બજારમાં થઈ હતી.
વર્ષો પહેલાં લોકોને નેચરલ સ્વાસ્થ્યવર્ધક પીણું પીવા મળે તે માટે ઈબ્રાહીમ રાજભાઈ રસવાલા એ દિલખુશ રસ હાઉસ પેઢીની સ્થાપના કરી હતી. ત્યારે શેરડીનો રસ પૈસાદાર અને બહુ જૂજ મધ્યમવર્ગના લોકોનું પીણું ગણાતું હતું. પહેલા એક આનામાં રસનો ગ્લાસ મળતો પછી ચાર આનામાં મળતો થયો હતો ત્યારે આજે રસનો મોટો ગ્લાસ 20 રૂપિયા અને નાનો ગ્લાસ 10 રૂપિયામાં મળે છે.