

આપણે અનેકવાર સાંભળ્યું હશે કે સવારે ખાલી પેટે (Empty stomach) હુંફાળું ગરમ (warm water) પાણી પીવું જોઇએ. આયુર્વેદમાં (Ayurveda) પણ આ સૂચન આપવામાં આવ્યું છે. સવારે કંઇપણ ખાધાપીધા પહેલા પીવામાં આવતા પાણીને ઉષ:પાન કહેવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારૂં છે અને આમપણ કોરોનાકાળમાં ગરમ પાણી પીવાનું કહેવામાં આવે છે. ગરમપાણીથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. તો આજે આપણે જોઇએ ગરમ પાણી પીવાથી શરીરને કયા કયા લાભ મળે છે.


સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી પેટ એકદમ સાફ થઇ જશે, તેનાથી તમે તાજગીનો અનુભવ કરશો. તમારું મન દિવસભર તણાવમુક્ત રહેશે. પેટની સમસ્યાઓથી જ આપણા શરીરમાં ઘણી બીમીરીઓ પ્રવેશતી હોય છે. તેને દૂર કરવામાં લાભ થાય છે.


ગરમ પાણી પીવાથી સરળતાથી કફ છુટો પડે છે. જીભનું સ્વાદ પારખવાનું, ગળામાં રહેલી ગ્રંથિયોના લાળ વગેરે સ્ત્રાવનાં કાર્યમાં સુધારો થાય છે. ગરમ પાણી પીવાથી જઠરમાં પાચનને અંતે યોગ્ય રીતે પાચન નહીં થવાથી જમા થયેલો ખોરાકનું પાચન થઇ તેની આગળ ગતિ થાય છે. અપકવ આમ હોજરીમાં પડી રહ્યો હોય તેમ છતાં ફરીથી કશુંક ખાવા-પીવામાં આવે, આવું વારંવાર થાય ત્યારે હોજરીની આંતર ત્વચા પર અપકવ આમનાં થર બાઝી જાય છે. જે અપચો, એસિડીટી, મંદાગ્નિ જેવા પાચનનાં રોગોનું કારણ બને છે. હોજરીમાં જમા થઈને રહેલાં અપકવ આમને કારણે મ્હોંમાંથી દુર્ગંધ આવે છે. આવી રોજિંદી સમસ્યાનું નિરાકરણ લાવે છે.


ઘણા લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબૂના રસની સાથે મીઠુ તેમજ મરી પાવડર નાંખીને પીઓ, તેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે.


ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરાની રોનક પણ હંમેશા જળવાઇ રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળને પણ જલ્દી સફેદ થતાં અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે. આ સાથે તેના દરરોજના ઉપયોગથી તમે પણ પોતાના વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો. ( Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી સર્વ સામાન્ય સૂચના પર આધારીત છે. ન્યૂઝ18ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ ઉપાયો પર અમલ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)