

કોરોનાકાળમાં દિવાળી (Diwali 2020) આવી રહી છે. તો આપણે આ સમયમાં અનેક ઘરનાં લોકો બહારનાં નાસ્તા લાવવાનું ટાળી રહ્યાં છે. ફરસી પૂરી, મઠિયા, ચેવડો વગેરે જેવાં નાસ્તાઓ ઘરે સરળતાથી બનાવી લેવાય છે. પરંતુ ઘણી મિઠાઈઓ કે ડ્રાય કચોરી (Dry kachori) આપણે બજારમાંથી જ લાવતા હોઇએ છીએ. કારણ કે, ઘરની કચોરીમાં માર્કેટ જેવો સ્વાદ નહીં આવતો હોવાની સમસ્યા સતાવતી હોય છે. ત્યારે આવો જાણી લો, માર્કેટ જેવી જ ડ્રાય કચોરી (Dry kachori recipe) ઘરે બનાવવા માટેની રીત.


સામગ્રી- 50 ગ્રામ – સૂકું કોપરું, 50 ગ્રામ – સિંગદાણા, 250 ગ્રામ – ગાંઠિયા, 1 ચમચી – ખાંડ દળેલી, 1 ચમચી – આંબોળિયાનો પાઉડર, 250 ગ્રામ – મેંદો, 100 ગ્રામ – ઘઉંનો લોટ, 1 ચમચી –કોર્નફ્લોર, 2 ચમચી – ઘી (મોણ માટે), સ્વાદાનુસાર – મીઠું, જરૂરિયાત મુજબ –તેલ


સૂકો મસાલો - 5 નંગ – સૂકાં લીલા મરચાં, 6 – લવિંગ, 4 નંગ – તજ, 10 નંગ કાળા મરી, 4 નંગ – એલચી, 1 ચમચી – જીરૂ, 1 ચમચી – ધાણા, 1/2 ચમચી– વરિયાળી, 5 – તમાલપત્ર


બનાવવની રીત - સૌ પ્રથમ દરેક સૂકા મસાલાને તેલમાં શેકી લો અને તેને ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો. હવે તેને ચાળી લો. ત્યાર પછી સૂકા કોપરાને છીણી લેવું. પછી થોડા તેલમાં શેકી લેવું. ઠંડું પડે એટલે હાથથી મસળી લો. હવે સિંગદાણાને શેકીને છોલી લો અને તેનો ભૂકો કરવો. બન્ને વસ્તુ ભેગી કરી લો ત્યાર પછી તેમાં ગાંઠિયાનો ભૂકો, શેકેલા તલ ઉમેરી લો. તૈયાર કરેલો ગરમ મસાલો, મીઠું, ઝીણી ખાંડ અને આમચૂર પાઉડર નાંખી મસાલો તૈયાર કરવો.


<br />હવે મેંદાના લોટમાં ઘઉંનો લોટ, મીઠું, કોર્નફ્લોર અને ઘીનું મોણ ઉમેરી કઠણ લોટ બાંધી લેવો. તેને બે કલાક રહેવા દેવો.પછી તેની પૂરી વણી લો અને તૈયાર મિશ્રણ ભરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા તૈયાર કચોરી તરી લો. કચોરી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે સૂકી કચોરી. આ કચોરીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.