બેંગકોક: સુરક્ષિત સેક્સને પ્રોત્સાહન આપવા અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ તેમજ કિશોરવયની ગર્ભાવસ્થાના ફેલાવાને રોકવા માટે થાઇલેન્ડ સરકાર વેલેન્ટાઇન ડે પહેલા 95 મિલિયન મફત કોન્ડોમનું વિતરણ કરશે. અહેવાલ મુજબ, આ પહેલ સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી, 2023 થી શરૂ કરવામાં આવી છે. થાઈ સરકારના પ્રવક્તા રાચાડા ધનાદિરેકે જણાવ્યું હતું કે, કોન્ડોમ ચાર કદમાં ઉપલબ્ધ હશે અને દેશભરની હોસ્પિટલોના ફાર્મસીઓ અને પ્રાથમિક આરોગ્ય એકમોમાંથી તેને એકત્રિત કરી શકાશે. યુનિવર્સલ હેલ્થકેર કાર્ડ ધારકો એક વર્ષ માટે દર અઠવાડિયે 10 કોન્ડોમ મેળવવા માટે પાત્ર હશે.
દેશના આરોગ્ય વિભાગે કહ્યું કે, અનિચ્છનીય ગર્ભાવસ્થા તેમજ સિફિલિસ, ગોનોરિયા, ક્લેમીડિયા, સર્વાઇકલ કેન્સર, એચઆઇવી (HIV), એઇડ્સ (AIDS) જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોથી બચવા માટે ફ્રી કોન્ડોમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થાઈલેન્ડના નેશનલ હેલ્થ પ્રોટેક્શન ઓફિસ (NHSO)ના સેક્રેટરી જનરલ જડેજ થમ્મતાચારીએ જણાવ્યું હતું કે, લુબ્રિકેટિંગ જેલ સાથે મફત કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે. જેઓ ફ્રી કોન્ડોમ મેળવવા માંગે છે. તેઓએ સ્માર્ટફોન એપ્લિકેશન - પાઓટાંગ પર નોંધણી કરાવવી પડશે. તેમણે નિયુક્ત દવાની દુકાન, સામુદાયિક ક્લિનિક અથવા રાજ્ય સંચાલિત આરોગ્ય કચેરીઓ પસંદ કરવી પડશે. જ્યાંથી તેઓ કોન્ડોમ મેળવી શકે.
રાચડાએ જણાવ્યું હતું કે, જેમની પાસે સ્માર્ટફોનની ઍક્સેસ નથી, તેઓ થાઈ નેશનલ આઈડી કાર્ડ બતાવીને નિયુક્ત સેવા આઉટલેટ્સ પર મફત કોન્ડોમ માટે નોંધણી કરાવી શકે છે. ગોલ્ડ-કાર્ડ ધારકોને મફત કોન્ડોમ આપવાની ઝુંબેશ રોગોને રોકવા અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. ગોલ્ડ કાર્ડ અથવા 30-બહત યોજના એ એક સાર્વત્રિક કવરેજ પ્લાન છે. જે થાઈલેન્ડના લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડતા ત્રણ આરોગ્ય સંભાળ કાર્યક્રમોમાં સૌથી મોટો છે.