Benefits Of Kashmiri Badami Kahwa: શિયાળાની ઋતુમાં લોકો વારંવાર ચા પીવાનું પસંદ કરતા હોય છે. સામાન્ય રીતે કામની વ્યસ્તતાને કારણે અથવા તો તાજગી માટે લોકો વારંવાર ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. ઘણી વખત લોકો માનસિક અને શારીરિક થાક દૂર કરવા માટે પણ ચા કે ઉકાળો પીતા હોય છે. લોકો વિવિધ પ્રકારની ચાનું સેવન કરે છે, જેમાં બ્લેક ટી, ગ્રીન ટી અને હર્બલ ટી ખૂબ જ લોકપ્રિય બની છે. તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે, પરંતુ શું તમે જાણો છો કે કાશ્મીરી કહવા (Kashmiri Kahwa) અથવા બદામનો કહવો (Badami Kahwa) પણ શરીર માટે ખૂબ જ લાભદાયક છે.
કોરોનાના વધતા જતા કેસોને જોતા આ દિવસોમાં લોકો તેમની રોગપ્રતિકારક શક્તિને લઈને ઘણા જાગૃત થયા છે. લોકો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ઘણી અલગ અલગ વસ્તુઓનું સેવન કરે છે. કાશ્મીરમાં પડતી ઠંડીના કારણે ત્યાંના લોકો બદામનો કહવો પીવે છે. તેઓ તેને શરદીથી રાહત મેળવવા અને સ્વસ્થ રહેવા માટે પીવે છે. કાશ્મીરી કહવાને ચા કે કોફીની જેમ પીવામાં આવે છે પરંતુ તે ચા અને કોફી કરતા વધુ ફાયદાકારક છે.
બદામના નાના દાણામાં ઘણા પોષક તત્વો મળી આવે છે. પહેલા બદામમાંથી મીઠાઈઓ અને નાસ્તા બનાવવામાં આવતા હતા અને હવે તેને કોફીમાં પણ ઉમેરવામાં આવે છે. કાશ્મીરમાં લોકો નાસ્તા દરમિયાન બદામ કહવા લે છે, તેમાં ઘણી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે, જેમ કે લીલી ચાના પાંદડા, તજ, એલચી, કેસર અને લવિંગ. આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને કોરોનાના આજના સમયમાં ખૂબ જ લાભદાયક છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે બદામ, અખરોટ અને ડ્રાયફ્રૂટ્સને પીસીને ઉપરથી મિક્સ કરવામાં આવે છે. આવુ કરવાથી તે સુગંધિત અને પૌષ્ટિક બની જાય છે.
-જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે કાશ્મીરી કહવા ખૂબ જ ફાયદાકારક છે. કાશ્મીરી કહવા પીવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. જેમ લોકો ગ્રીન ટી પીવે છે, તેમ કાશ્મીરી કહવા પણ તેમના વજનને સંતુલિત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેને પીધા પછી પેટ ભરેલું લાગે છે, જેનાથી ભૂખનો અનુભવ ઓછો થાય છે. સાથે જ તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
કાશ્મીરી બદામી કહવા બનાવવાની રીત- કાશ્મીરી બદામી કહવા બનાવવા માટે 2 ચમચી ગ્રીન ટી ના પાંદડા, તજના થોડા ટુકડા, એલચી, થોડું કેસર, ખાંડ અથવા મધ લો. બદામ અને અખરોટને જીણા કરી લો. તેને બનાવવા માટે વાસણમાં એક ગ્લાસ પાણી મૂકો. તેમાં તજ, એલચી અને કેસર ઉમેરીને થોડી વાર ઉકાળો અને ઘટ્ટ થવા દો. પછી તેમાં ગ્રીન ટીના પાન નાખીને આ પાણીને ફરીથી ઉકાળો. ધ્યાનમાં રાખો રે તેમાં કડવાશ વધારે ન હોવી જોઈએ, આવુ ન થાય તે માટે તેને વધુ ઉકાળવું જોઈએ નહીં. તેને ચાની જેમ કપમાં ગાળી લો અને તેને બદામ અને અખરોટના ટુકડાથી ગાર્નિશ કરો. આ પછી તેની ગરમા ગરમ ચુસ્કીઓનો આનંદ લો અને રોગોને દૂર ભગાડો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. કૃપા કરીને આને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)