

આપણે માનતા આવ્યા છીએ કે, આમળામાંથી (Amla) બનતા ચ્યવનપ્રાશનું (chyawanprash) સેવન શિયાળામાં (Winter) જ થાય, પરંતુ કોરોનામાંથી (coronavirus) સ્વસ્થ થઈ ઘરે પરત ફરેલા દરદીઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પ્રોટોકૉલમાં દવાઓ ઉપરાંત યોગ અને ચ્યવનપ્રાશનું સેવન કરવાની ભલામણ કરવામાં આવી છે. આ આયુર્વેદિક (Ayurvedic) ઔષધિ આપણા શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે એવું તારણ નીકળતાં એનો વપરાશ વધ્યો છે. કોરોનાકાળમાં અનેક લોકો ઘરે ચ્યવનપ્રાશ બનાવવા લાગ્યા છે ત્યારે આપણે પણ આજે તેને બનાવવાની રીત જોઇએ.


સામગ્રી - 150 ગ્રામ મધ, દોઢ કિલો સાકર, 1 કિલો આમળા, 2 ગ્રામ કેસર, 8 ગ્રામ એલચી, 8 ગ્રામ નાગકેસર, 8 ગ્રામ તજ પાવડર, 8 ગ્રામ તમાલપત્ર, 12 ગ્રામ લવિંગ, 14 ગ્રામ પિપ્પળી. આ સામગ્રી ઉપરાંત તમે ઈચ્છો તો તેમાં અશ્વગંધા, શતાવરી, સફેદ ચંદન, બ્રાહ્મી, હરડે, જટામાંસી, બિલિ, દશમૂલ, અંજીર, મીઠો લીમડો, તુલસીના પાન, મુળેઠી વગેરે પણ ઉમેરી શકો છો. જો તમે જડીબુટ્ટી ઉમેરવા માંગતા હોવ તો તેના પાવડરને એક લીટર પાણીમાં નાંખીને 24 કલાક રહેવા દો.


ઉપરનું મિશ્રણ પલળી જાય તે બાદ 1 કિલો આમળા લો અને તેને બાફી લો. કૂકરને થોડુ ઠંડુ થવા દો અને પછી જ તેનુ ઢાંકણુ ખોલો. આમળાને વાસણમાં કાઢી તેની વચ્ચેથી તેના ઠળિયા કાઢી પલ્પ અલગ તારવી લો. આમળાને સ્ટીલની ચાળણી કે પછી સૂતરના કપડા પર ઘસો જેથી તેના રેસા દૂર થઈ જાય. રેસા દૂર ન થાય તો તમે આ પેસ્ટને મિક્સીમાં પીસીને પણ સ્મૂધ બનાવી શકો છો.


એક વાસણમાં દેશી ઘી નાંખો અને પછી ઘીમાં આમળાનો પેસ્ટ નાંખી તેને ધીમા તાપે ગરમ કરી લો. આમળાનો પલ્પ ઘટ્ટ ન બને ત્યાં સુધી તેને ગરમ કરતા રહો. જે પાણીમાં આમળાને ઉકાળ્યા હતા તેમાં રાત્રે પલાળેલુ મિશ્રણ નાંખી દો અને તે મિશ્રણને થોડા કલાક સુધી ધીમા તાપે ઉકાળી ક્વાથ બનાવી લો. ક્વાથને ગાળીને એક વાસણમાં કાઢી લો. આ પ્રવાહીને 10થી 12 કલાક આમ જ રહેવા દો. આમ કરવાથી તેમાં કેટલાક પદાર્થ નીચે બેસી જશે. તમે પાણી સીધુ યુઝ કરશો તો ચ્યવનપ્રાશમાં કડવાશ આવી જશે. 10-12 કલાક પછી પાણીને સાવચેતી પૂર્વક તારવી લો.