વાળ ખરવાની સમસ્યા કોમન બની ગઇ છે, પણ વરસાદની સિઝનમાં આ સમસ્યા સૌથી વધારે પ્રમાણમાં પરેશાન કરતી હોય છે. વરસાદની મોસમમાં વાળની સાથે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તો આનાથી બચવા માટે અહીં એલોવેરાના નુસખા બતાવ્યા છે કે, જેને અજમાવીને તમે વરસાદની સિઝનમાં વાળને ખરતા રોકી શકશો અને ત્વચાના નિખારને બરકરાક રાખી શકશો.
એલોવેરા ત્વચા માટે શ્રેષ્ઠ ઔષધ છે તેમ વાળ માટે પણ અત્યંત ગુણકારી છે. એલોવેરાના પલ્પને કાઢીને સ્કેલ્પમાં નાખો. એલોવેરા માથામાં નાખવાથી માથાની મૃત કોષિકાઓ દૂર થાય છે અને નવી કોષિકા વિકસિત થાય છે જેને કારણે વાળની મજબૂતી વધે છે. જો તમને એલોવેરા જ્યૂસ માફક આવતું હોય તો તમે જ્યૂસ પણ પી શકો છો, તેનાથી વાળની સાથેસાથે ત્વચાને પણ ફાયદો થશે.
આ ઉપરાંત તમે એક પેસ્ટ બનાવીને માથામાં લગાવી શકો છો. જેમાં તમને જોઇશે 1 ચમચી એલોવેરા જેલ, 1 ચમચી મધ, 1 ચમચી કેળાની પેસ્ટ, 1 ચમચી લીંબુનો રસ. આ સામગ્રીને એક કન્ટેનરમાં મિક્ષ કરી દો. ત્યારબાદ આ પેસ્ટને વાળ પર લગાવ્યા પહેલા વાળ યોગ્ય રીતે ધોઇ લો. વાળ ધોયા પછી કોઈ મુલાયમ અને સાફ બ્રશની મદદથી આ પેસ્ટને વાળ પર લગાવો અને આશરે 15 મિનીટ સુધી હળવા હાથે માલીશ કરો. ત્યારબાદ હવે એક મોટા કાંસકાથી તમારા વાળ ઓળો. ત્યારબાદ એક વાસણમાં હુંફાળું પાણી લો. પછી કોઈ ટુવાલ કે સુતરાઉ કપડાને આ પાણીમાં પલાળો અને તમારા વાળમાંથી ધીમે ધીમે પેસ્ટને હટાવો. ધ્યાન રાખો કે, જયારે પણ પલળેલો ટુવાલ તમારા વાળ પર લગાવો ત્યારે તેને 2 મિનીટ માટે ટુવાલ માથા પર રહેવા દો. તેનાથી તમારા વાળને ગરમાવો મળશે. જો આવું તમે 1 મહિનામાં 2 થી 3 વાર કરશો તો ચોક્કસ ફાયદો દેખાશે.