

કોરોના કાળમાં વજન પર કાબુ રાખવો તે બધા માટે મુસીબત બની ગયું છે. વળી દરેક લોકો માટે વોક કરવું, જીમમાં જવું શક્ય પણ નથી હોતું. ત્યારે વજન ઓછું કરવા માટે એક ડાયટ પ્લાનને તમે અજમાવી શકો છો. જેનાથી 7 દિવસમાં તમારા વજનમાં તમે થોડા ફેરફાર જોઇ શકશો. જો કે આ ડાયટ પ્લાન સાથે તમારે 30 મિનિટ ફાસ્ટ વૉક અને 30 મિનિટની સામાન્ય કસરત પણ કરવી પડશે. સાથે જ આ ડાયેટ પર અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ પણ લેજો. તો 7 દિવસ માટે ખાવાનું શું લેવું શું નહીં વાંચો અહીં.


પહેલા દિવસે- પ્રથમ દિવસે કેરી, કેળા, ચીકુ સિવાયના ફળ પર રહેવુ. જયૂસ ન લેવો. તરબૂચ તેમજ ખાટા ફળો વધુ સારૂ કામ આપે છે. ફ્રુટ કેટલા ખાવા એનુ કોઇ પ્રમાણ નથી. દિવસ દરમિયાન આઠ ગ્લાસ પાણી પીવું. આ દિવસે શરીર કાર્યક્રમ માટે તૈયાર થાય છે અને જરૂરી પોષક તત્વો ફળોમાંથી મળી રહે છે.


બીજા દિવસે- સવારમાં ખાલી પેટે એક મોટુ બટાકુ શેકીને ખાવુ. આ સિવાય બોઇલ કરેલા શાકભાજી તમે ખાઇ શકો છો. અને વધુ પાણી પીવાનું રાખજો. ત્રીજા દિવસે -કેળા, કેરી, ચીકુ, સકકરીયા, બટેટા અને સુરણ સિવાયના બધા જ ફળો અને શાકભાજી લઇ શકાય. સાથે જ 8 થી 10 ગ્લાસ પાણી પીઓ.


ચોથા દિવસે- ચરબી અને સ્ટાર્ચ લેવાના છે. ચરબી કાઢેલુ ગાયનુ દૂધ ત્રણ-ચાર ગ્લાસ અને આઠ કેળા. જરૂર લાગે તો ડુંગળી, ટમેટા, કોબીનો સૂપ પી શકો છો. સાથે જ 8 થી 10 ગ્લાસ પાણી પીઓ.


પાંચમા દિવસે- બાફેલી મસૂરની દાળ પીવાની અને છ ટામેટા ખાવાના. આ દિવસે પાણી બાર ગ્લાસ પીવાનુ છે. છઠ્ઠા દિવસે- ખીચડીયા ચોખાનો ઉપયોગ કરીને કોઇ પણ હળવો ખોરાક લેવો તેમજ બાફેલા શાકભાજી પણ લઇ શકાય.


સાતમા દિવસે- આ દિવસે ફળોનો રસ બે ગ્લાસ, તેમજ ડુંગળી-ટમેટા-કોબીનો સુપ તમે પી શકો છો. સાતમા દિવસે તમારે પાણી ઓછું પીવાનું છે. Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની કોઇ પુષ્ટી નથી કરતું. ઉપરોક્ત સૂચન પર અમલ કરતા પહેલા વિશેષજ્ઞ કે જાણકાર ડોક્ટરથી સલાહ લેવી જરૂરી છે.