Dhairya Gajara, Kutch: હડપ્પન સંસ્કૃતિના પાંચ મુખ્ય નગરોમાંથી એક ધોળાવીરા આજે વૈશ્વિક ધરોહર બનતા દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પ્રાચીન નગરના અવશેષો આજે પણ પાંચ હાજર વર્ષ જૂના નગરની આધુનિકતાનો આભાસ કરાવે છે. ત્યારે શનિવારે યોજાયેલા ધોળાવીરા ફેસ્ટિવલમાં આ પ્રાચીન નગરને રોશનીથી શણગારવામાં આવતા આ નગરની સુંદરતા અને ભવ્યતા સોળે કળાએ ખીલી ઉઠી હતી.
ભારત દેશ ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરનો અમૂલ્ય વારસો ધરાવે છે. આ ધરોહરનો એક જીવતો જાગતો ઉદાહરણ છે પાંચ હાજર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરા. આજના ગતિમય અને આધુનિક સમયમાં યુવાનોમાં દેશના ઐતિહાસિક સ્મારકો પ્રત્યેની નીરસતા દૂર થાય અને અતુલ્ય વારસા પ્રત્યે તેમનો લગાવ વધે તેવા ઉદ્દેશ્ય સાથે ધોળાવીરા મધ્યે એક ભવ્ય ફેસ્ટિવલનો આયોજન કરવામાં આવ્યો હતો. રોશનીથી ઝળહળતા ધોળાવીરામાં ખ્યાતનામ કલાકારોએ સંગીતની ધૂન પર પાંચ હજાર વર્ષ જૂના નગરને ઝુમાવ્યો હતો.
ક્રાફટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા ધોળાવીરાના ખનન સ્થળ પર ફોટો એકઝીબિશન, ક્રાફટ, વોકિંગ ટુર, સાંસ્કૃતિક સંગીત વર્લ્ડ મ્યુઝિકનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 થી સાંજે 8 વાગ્યા સુધી યોજાયેલ આ ધોળાવીરા ફેસ્ટિવલમાં તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, અમેરિકન સેક્સોફોન વાદક જ્યોર્જ બ્રુક્સ, સિતાર વાદક દિલશાદ ખાન, ગિટાર વાદક સંજય દિવેચા, ગટમ્ વાદક ગિરધર ઉડુપા, ડ્રમ વાદક મંજુનાથ સહિત દેશ અને વિશ્વના જાણીતા કલાકારો પોતાના સંગીત થકી આ પ્રાચીન વિરાસતને પુનઃ જીવંત કરી હતી.