Dhairya Gajara, Kutch: શિયાળા સમયે કચ્છના બન્ની વિસ્તારને રણોત્સવ માટે દુલ્હનની જેમ શણગારવામાં આવે છે, પરંતુ જેમ રણોત્સવ પૂરો થાય અને ગરમીની શરૂઆત થાય તેમ આ વિસ્તાર તરફ કોઈ એક નજર પણ કરતું જોવા ળતું નથી. રણોત્સવમાં યજમાન બની લાખો પ્રવાસીઓને આવકારતો બન્ની વિસ્તાર ઉનાળો શરૂ થતાં જ દર વર્ષની જેમ પાણી માટે તરસી રહ્યો હોય છે. તેના કારણે જ દર વર્ષની જેમ, આ વર્ષે પણ લોકોએ પોતાના ગામમાંથી હિજરત શરૂ કરી છે.
કચ્છના બન્ની વિસ્તારમાં ગામના લોકો દ્વારા હિજરત કરતી વેળાએ આ પંક્તિઓ સંભાળવા મળતી હોય છે. હિજરત તો હવે જાણે કોઈ ક્રિયા નહીં, પરંતુ કોઈ ઋતુ બની ગઈ હોય તેમ દર બાર મહિને તેમના જીવનનો એક નિયમિત ક્રમ બની ગયો છે. જણાવી દઈએ કે, માનવ વસતી સામે ત્રણથી ચાર ગણા વધારે પશુઓની વસતી ધરાવતા આ ગામોને દિવસમાં માત્ર એક કલાક જેટલું જ પાણી મળે છે.
પંચાયતના પૂર્વ સરપંચ ફકીરમામદ જતે જણાવ્યું હતું કે, ગામના તળાવોમાં હવે પાણી તળિયે છે અને ખૂબ જ ગંદું છે. અવાડામાં પૂરતું પાણી ન મળતાં અમારા માલ ઢોરને ન છૂટકે તળાવનું ગંદું પાણી પીવું પડે છે. તેને કારણે તે બીમાર પડે છે અને તેમના દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. આ પાણીની સમસ્યાને કારણે જ ગામની અનેક ભેંસોનો પાંચથી છ મહિનાનો ગર્ભ પડી જાય છે."
બન્ની વિસ્તારના નાના સરાડો જૂથ ગ્રામ પંચાયતમાં આવતા નાના સરાડો, મોટા સરાડો, રભુ વાંઢ, સાંવલપુર વાંઢ વગેરે ગામોમાં હાલ લોકો પાણીના એકએક ટીપાં માટે તરસી રહ્યા છે. દિવસમાં માત્ર એક કલાક જ આ ગામોના ટાંકામાં પાણી આવે છે. આ દરમિયાન ગામની મહિલાઓ હેલ, હાંઢો અને ગાગર લઈ ટાંકા ઉપર પડાપડી કરતી નજરે પડે છે. આ જ મહિલાઓમાંથી એક છે જીજાબાઇ, જે પોતાની કેળ પર એક બાજુ નાનું બાળક અને બીજી બાજુ હેલ લઈ રોજ પાણી ભરવા જાય છે.
શેરવો ગામના સંપથી આવતું ખારું પાણી આ માલધારીઓ તેમજ તેમના પશુઓ માટે એકમાત્ર વિકલ્પ છે. છ કિલોમીટર દૂરથી આવતું ખારું પાણી ધીમી ધારે જ્યારે ગામોના અવાડામાં પડે ત્યારે અહીંના પશુઓ તેમાંથી પાણી પી પોતાની તરસને અધૂરો સંતોષ આપે છે. આ સાથે જ, ગામની મહિલાઓ પણ આ જ અવાડામાંથી પાણી ભરે છે, જે તેમના પરિવારો પીવા તેમજ ઘરવપરાશ માટે વાપરે છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કચ્છની એક હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે લાઈવ જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્નીના આ માલધારીઓ માટે ચિંતા વ્યક્ત કરતા તેમને આગ્રહ કર્યું હતું કે, તેઓ પોતાના ગામ મૂકીને હિજરત ન કરે, પરંતુ જીવનની સૌથી અગત્યની વસ્તુ પાણી વગર આ માલધારીઓ પણ લાચાર બન્યા છે. પોતાના માટે નહીં તો પોતાના પશુઓ માટે દરવર્ષે માલધારીઓ આ ત્યાગ કરતા આવ્યા છે.