

રાજુદાન ગઢવી : કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓ (Villages)માં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના (Coronavirus) ફેલાયો છે. સુરેન્દ્રનગર (Surendranagar)ની વાત કરવામાં આવે તો અહીં ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય તે માટે ગામના લોકો પોતાના ખેતર પર રહેવા જતા રહ્યા છે. 1100 લોકોની વસ્તી ધરાવતું ગામ હાલ ઉજ્જડ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં આવું થયું છે.


મળતી માહિતી પ્રમાણે ગામના ઉપ-સરપંચના પત્ની અને તેના ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં 1100 લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી 700 લોકો ગામ છોડીને ખેતર પર રહેવા માટે ચાલ્યા ગયા છે. લોકોને એવો ડર છે કે તેમને પણ કોરોના થઈ જશે. જે બાદમાં જ ગામમાંથી હિજરત શરૂ થઈ હતી. બંને પોઝિટિવ દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને લોકો અમદાવાદથી પરત ફર્યા હતાં.


ગામમાં સીસીટીવી કેમેરા લગાવી દેવાયા : ગામમાં મોટાભાગના લોકો પલાયન કરી ગયા છે ત્યારે ગામમાં ચોરી જેવા કોઈ બનાવો ન બંને તેમજ બહારથી કોઈ વ્યક્તિ ખબર વગર ન ઘૂસી જાય તેના પર નજર રાખવા માટે ગામમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.


ગામના લોકોએ ટીમ બનાવી : ફક્ત આસુન્દ્રાળી ગામ જ નહીં પરંતુ તેની બાજુમાં આવેલા ભવાનીગઢ ગામમાં પણ આવી જ હાલત છે. બંને ગામના લોકો આઠથી દસ દિવસ સુધી ચાલે એટલું અનાજ લઈને ખેતર ચાલ્યા ગયા છે. આ ઉપરાંત ગામના લોકોને કોઈ વસ્તુની જરૂરિયાત પડે તો તેને લાવવા માટે 20 યુવકોની એક ટીમ બનાવવામાં આવી છે. આ લોકો ગામના લોકોની મદદ કરશે.


ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગામમાં ચાલતી ડેરી બંધ કરી દેવામાં આવી છે. ડેરીએ ખેડૂતો પાસેથી દૂધ લેવાનું બંધ કરતા ફક્ત પશુપાલન સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં મૂક્યા છે. ગામના લોકોની સૌથી મોટી સમસ્યા દૂધનું શું કરવું તે છે. એક તરફ કોરોનાનો ખતરો છે અને બીજી તરફ ઉનાળો બરાબર તપી રહ્યો છે. આ બંને પરિસ્થિતમાં ગામના લોકો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે.