

સુરેન્દ્રનગર: રાજ્યમાં અકસ્માત (Accident)નાં બનાવો સતત વધી રહ્યા છે. તેમાં પણ ટ્રક ચાલકો દારૂ પીને વાહન હંકારતા હોય છે ત્યારે અનેક વખત નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે. ચોટીલા હાઇવે (Chotila Highway) પર એક ટ્રક દુકાનમાં ઘૂસી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. જોકે, ટ્રક ઘૂસી જવાને કારણે દુકાનનો બુકડો બોલી ગયો છે.


મળતી માહિતી પ્રમાણે ચોટીલા હાઇવે પર મોટીવાડી પાસે રાત્રે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગયો હતો. નશાની હાલતમાં ટ્રક ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા હાઇવેની બાજુમાં આવેલી દુકાન પર ટ્રક ફરી વળ્યો હતો. અકસ્માતને પગલે દુકાનને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી. ટ્રક દુકાનમાં ઘૂસી જતા 'આયા સાવન ઝૂમ કે' જેવો ઘાટ ઘડાયો હતો. આ બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા નહીં પહોંચી તે સારી વાત છે.


આ બનાવમાં દુકાન માલિક મુનાફભાઈ સહિત બેથી ત્રણ લોકોના ચમત્કારિક બચાવ થયો છે. ટ્રક ઘૂસી જતાં દુકાન પડી ગઈ હતી જેમાં અંદર ત્રણય લોકો દબાયા હતા. જોકે, તમામને સામાન્ય ઇજા પહોંચી હતી.


આ મામલે દુકાન માલિક મુનાફભાઈ જણાવ્યું હતું કે, "અમે રાત્રે ત્રણ લોકો બેઠા હતા ત્યારે હાઇવે પરથી અચાનક પૂર ઝડપે ટ્રક આવ્યો હતો અને સીધો જ દુકાનમાં ઘૂસી ગયો હતો. બનાવને પગલે અમે નીચે દબાયા હતા પરંતુ કોઈને ઈજા પહોંચી નથી. આ બનાવમાં મારી દુકાનનો બુકડો બોલી ગયો છે."


ટ્રક ઘૂસી જવાથી દુકાનમાં રહેલા સામાનને બારે નુકસાન થયું છે. આ ઉપરાંત દુકાનની દીવાલો તૂટી પડી હતી. દુકાનમાં ઘૂસી ગયેલા ટ્રકમાં સામાન ભર્યો હતો. આ ઉપરાંત દુકાન સાથે ટક્કર બાદ ટ્રકના વ્હીલ પણ જમીનમાં બેસી ગયા હતા. આ મામલે પોલીસે પહોંચીને દુકાન માલિકનું નિવેદન નોંધ્યું હતું.