

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઇવે (limbadi Ahmedabad Highway) વચ્ચે ટોકરાળા ગામના પાટિયા નજીક કાર પલટી વાગતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


કારમાં સવાર લોકો લગ્નપ્રસંગ પૂર્ણ કરીને પોરબંદરથી પોતાના વતન મુંબઇ પરત ફરી રહ્યાં હતા. આ તમામ લોકો મુંબઇનાં કાંદીવલી વિસ્તારનાં મહાવીર નગરના રહેવાસી હતી. આ અકસ્માતમાં હર્ષિતભાઈ મનિષભાઇ ત્રિવેદીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ પાણશીણા પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.


આ જ લિંબડી અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આજે સવારે અન્ય એક અકસ્માત બન્યો હતો. જેમા પુરઝડપે આવતી કારે ટોકરાળા પાટીયા પાસે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં બાઇકમાં સવાર એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.