સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના વણા ગામ પાસે બે તલાટી સહિત ત્રણ લોકો તણાયા, રેલવે ટ્રેક-હાઇવે પાણીમાં ગરકાવ
તલાટીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું, ઝેઝરી ગામ પાસે પાણી જોવા ગયેલો યુવક તણાયો, સમગ્ર જિલ્લામાં વરસાદી આફત, નાયકા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. તસવીરોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી


રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેરઠેર તળાવ-ડેમ નદી-નાળાં છલકાયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દૃશ્યો સામે આવ્યા છે. દરમિયાન બે જુદી જુદી ઘટનામાં ચાર વ્યક્તિઓ તણાવાના બનાવો બન્યા છે. જેમાં ધ્રાંગધ્રાના બે તલાટીનો સમાવેશ થાય છે. વણા ગામ પાસે ઇકો કાર પાણીમાં તણાતા તલાટી સહિતના ત્રણ વ્યક્તિઓ પાણીના વહેણમાં તણાયાં હતા જેમને ગ્રામજનોએ દોરડા નાખીને રેસ્ક્યૂ કર્યા હતા.


પાટડી અને દશાડા પણ પાણી પાણી થઈ ગયા છે. દરમિયાન ઝેઝરી પાસે પાણી જોવા ગયેલો એક યુવક તણાયો હતો. યુવકના રેસ્ક્યૂની જાણ થતા જ ધારાસભ્ય નૌશાદ સોલંકી દોડી ગયા હતા અને તેમણે તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ કર્યો હતો. તેમના મતે તંત્રની નિષ્ક્રિયતાના કારણે જિલ્લામાં તારાજી સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.


દરમિયાન વઢવાણ તાલુકામાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના કારણે કારણે વઢવાણના કટુડા ગામનું તળાવ ફાટ્યું હતું.


દરમિયાન સુરેન્દ્રનગર-માલવણ હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વરસાદના પાણીના કારણે બાકળથળી ગામનો હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. સ્થાિક આગેવાન રણજિતસિંહ ઝાલા સહિતના ગ્રામજનો વાહનચાલકોની મદદ આવ્યા હતા.


ચોટીલામાં આકાશી આફત વરસી છે. દરમિયાન ચોટીલામાં વરસેલા અવિરત વરસાદના કારણે ત્રિવેણી ઠાંગા ડેમ ઑવરફ્લો થયો છે, ચોટીલા ના મેવાસા ભિમગઢ ડોસલી ઘુના પીપળીયા ખેરાના ગામ સંપર્ક વિહોણા થયા છે. ગામડાના ને જોડતા રસ્તાઓ પર નદીઓ ગાંડીતુર બની છે.


ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરના વઢવાણમાં રેલવે ટ્રેક ધોવાયો જેવી સ્થિતિ સર્જાઈ છે. વઢવાણ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. જોકે, રેલ વ્યવહાર બંધ હોવાના લીધે તેની માઠી અસર નહીં થતા રેલવે તંત્રએ હાશકારો અનુભવ્યો છે.