રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: જિલ્લાના ત્રણ બનાવોએ આજે ચર્ચા જગાવી છે. જેમાં એટીએમ મશીન (ATM Machine) સેન્ટર ખાતે ગાયો (Cows)એ જમાવેલો અડિંગો, આકાશી વીજળી (Lightning) દરમિયાન ચોટીલા ડુંગર (Chotila Dungar)ના કેમેરામાં કેદ થયેલો અદભૂત નજારો અને વડોદ ડેમ (Vadod Dam) ઓવરફ્લો થવાથી બે કાંઠે વહેતી થયેલી ભોગાવો નદી છે. શુક્રવારે સાંજે સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે વરસાદ પડ્યો હતો. આ વરસાદ સાથે આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. શુક્રવારે સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ અચાનક ચોટીલા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વીજળી જાણે ચોટીલા ડુંગરે ગરબે રમવા આવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
ચોટીલા તળેટી ખાતે આવેલા નવગ્રહ મંદિરના પૂજારીઓ તેના મોબાઇલમાં આ દ્રશ્યો કંડારી લીધા હતા. વીજળી જાણો ચોટીલાના ડુંગર ફરતે ગરબા રમતી હોય તેવો નજારો લાગી રહ્યો હતો. રાતના અંધારામાં પણ વીજળીના ચમકારાથી ડુંગર સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસાની વિદાય વખતે અનેક જગ્યાએ ભારે વરસાદ અને વીજળીના ચમકારા તેમજ કડાકા-ભડાકા થતા હોય છે.
આ ઉપરાંત ગાયો અહીં ગંદકી પણ કરતી હોવાનું જોવા મળ્યું છે. અહીં પૈસા ઉપાડવા આવતા લોકોએ આ કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમુક લોકો બેંકોને એવી અરજ કરી રહ્યા છે કે એટીએમમાં ઘૂસેલી ગાયોને જો બહાર ન કાઢી શકતો હોવ તો કંઈ નહીં પરંતુ અહીં સ્વચ્છતા તો રાખો! સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગાયોએ જાણે એટીએમ સેન્ટરને જ પોતાનો તબેલો સમજી લીધો છે.
અન્ય એક બનાવમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો વડોદ ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીને પગલે સૌકા-લીંબડીને જોડતો કાચો કોઝવે તૂટી ગયો છે. આ કારણે સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ગામ લોકોએ તંત્રને રજુઆત કરી છે કે તા.21 જુલાઈ 2017ના રોજ થયેલી અતિવૃષ્ટિમાં સૌકા-લીંબડીને જોડતો કોઝવે તૂટી ગયો હતો. જે બાદ ચાર વર્ષે વીતી ગયા હોવા છતાં તંત્ર માત્ર થીગડાં મારીને કામ ચલાવે છે.