

અંકિત પોપટ, રાજકોટ : આજે મહિલા દિન નિમીતે રે રાજકોટ સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ તરછોડાયેલી દીકરીના તારણહાર બનેલા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેના સાથી પોલીસ અધિકારીઓ સાથે આ દીકરી ની મુલાકાત લીધી હતી.


આ દીકરીને અંબા નામ આપનાર બીજું કોઈ જ નહીં પરંતુ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ છે. અંબા ને મળ્યા બાદ લેટ્સ પ્રે ફોર અંબા નામના બોર્ડમાં મનોજ અગ્રવાલે પોતાની સંવેદના લખતા જણાવ્યું હતું કે વ્હાલી અંબા, વિશ્વ આખું તારા માટે પ્રાર્થના કરી રહ્યું છે. તે આજે જે સ્મિત મને આપ્યું તેનાથી મારો આખો દિવસ બની ગયો. હું ઈશ્વરનો આભાર માનું છું


રાજકોટમાં 13 દિવસ પહેલા મહીકા અને ઠેબચડા ગામ ની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108 ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108 ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જે બાદ વધુ સારવાર અર્થે દીકરીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


આ દીકરી માટે ખાનગી હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જે બોર્ડમાં લોકો આ દીકરી માટે પ્રાર્થનાઓ લખી રહ્યા છે. તો બીજી તરફ આ દીકરી માટે સહાયનો ધોધ પણ વહી રહ્યો છે ,તો બીજી તરફ આ દીકરી સાજી થતા જ તેનો કબજો સંભાળવા તેની દેખભાળ રાખવા રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ સજ્જ હોવાનું જણાવી રહ્યા છે.


આજે રાજકોટ સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ પંદર દિવસ પહેલા જન્મેલી બાળકી જન્મ અને મરણ વચ્ચેની લડાઇ લડી રહી છે. આ જન્મ અને મરણ વચ્ચેની લડાઈમાં વિશ્વભરમાં તેના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે પરંતુ કરૂણતા તો એ છે આ લડાઈમાં ખુદ તેના માતા-પિતા જ ગેરહાજર છે.