મુનાફ બકાલી, રાજકોટ : જેતપુરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન એક ઘટના સામે આવી છે. બે બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર પહોંચી ગયા, આ સમયે અચાનક ટ્રેન આવી જતા, બાળકો કઈં સમજે પહેલા ટ્રેનની અડફેટે આવી ગયા, જેમાં બંને બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા માતા-પિતા સ્થળ પર પહોંચી ગયા, અને બાળકોની લાસ જોઈ માતા-પિતાની હાલત ખરાબ થઈ ગઈ હતી, તેમનું દુ:ખ જોઈ લોકોની આંખમાંથી પાણી વહેવા લાગ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં ભાદર નદીના રેલવે પુલ પર બે બાળકો રમતા-રમતા પહોંચી ગયા હતા, આ સમયે અચાનક ટ્રેક પર ટ્રેન આવી ચઢતા, બે બાળકોના ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. હાલમાં બંને બાળકોના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાળકોના માતા-પિતાની રોઈ-રોઈ હાલત ખરાબ થઈ ગઈ છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, જેતપુરમાં ભાદર નદીના પુલ નજીક એક કારખાનામાં પરપ્રાંતિય મજૂરો કામ કરી રહ્યા હતા, આ સમયે તેમના બે બાળકો રમતા-રમતા પોતાની મસ્તીમાં રેલવે ટ્રેક પર જતા રહ્યા, આ સમયે ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન આવી ચઢી, બંને બાળકો કઈં સમજે તે પહેલા તો ટ્રેન તેમની નજીક આવી ગઈ અને ટ્રેનની અડફેટે બંને બાળકો ફંગોળાઈ ગયા. આ ઘટનામાં બંને બાળકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે. આ દર્દનાક ઘટના બાદ લોકો એકઠા થવા લાગતા, બાળકોના માતા-પિતા પણ પહોંચી ગયા, તેમણે પોતાના બાળકોની લોહીથી લથબથ લાસ જોતા, ત્યાંજ ભાગી પડ્યા હતા, બાળકોને બાથમાં લઈ પોક મુકી રડવાનું શરૂ કરતા, હાજર તમામ લોકોના આંખમા પણ આંસુ આવી ગયા હતા.
કહેવાય છે કે, બાળકો હંમેશા પોતાની મસ્તીમાં જ મશગુલ રહેતા હોય છે. બાળકો ક્યારેક એવી મસ્તી કરે છે, જેમાં તેમના શરીરને નુકશાન પહોંચે તેવો ભય રહે છે, પરંતુ તેમને તેની જાણ નથી હોતી, એટલે જ નાના બાળકોને માસૂમ કહેવામાં આવે છે, અને એટલે જ માતા-પિતા નાના બાળકોનું હંમેશા ધ્યાન રાખતા હોય છે. પરંતુ, ક્યારેક બાળકો માતા-પિતાને છેતરી એવી મસ્તી કરી બેસે છે, કે તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય. આ દુર્ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન કહી શકાય.