

હરિન માત્રાવાડિયા, રાજકોટ : નાગરિકતા કાયદાનાં સમર્થનમાં આવતીકાલે રાજકોટમાં તિરંગા યાત્રા નીકળશે. આવતીકાલે એટલે ગુરૂવારે સવારે 9 વાગ્યે બહુમાળી ભવન પાસે સરદારની પ્રતિમાથી તિરંગા યાત્રાની શરૂઆત થશે. તિરંગા યાત્રામાં અલગ-અલગ વેપારી એસોસિએશન, જ્ઞાતિ મંડળો, સામાજિક સંસ્થાઓ સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાશે. આ તિરંગા યાત્રામાં પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી આવેલા 400 જેટલા શરણાર્થી લોકો પણ જોડાશે.


તિરંગા યાત્રામાં બે કિલોમીટર લાંબો અને 10 ફૂટ પહોળો ઝંડો લઈ વિદ્યાર્થીઓ શહેરમાં ફરશે. આ તિરંગા યાત્રા શહેરનાં બહુમાળી ભવનથી શરૂ થઈ જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ, ત્રિકોણબાગ, જુબેલી ગાર્ડન થઈને મહાત્મા મંદિરે પૂર્ણ થશે. તિરંગા યાત્રામાં મોખરે ઘોડે સવાર પાયલોટિંગ કરશે બાદમાં દેશભક્તિનાં ગીતોની સુરાવણી છોડતું બેન્ડ હશે.


તિરંગા યાત્રા દરમિયાન અલગ-અલગ 40 જગ્યા ઉપર દેશભક્તિની ભાવના ઉજાગર કરતી કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે. તિરંગા યાત્રામાં રાજકોટના અલગ-અલગ એસોસિએશન સહિત અનેક સંસ્થાઓ શાળાઓ પણ ટેકો આપ્યો છે. તિરંગા યાત્રા મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રસ્થાન કરાવશે. તિરંગા યાત્રાને લઈને યાત્રાના રૂટ ઉપર કેસરિયો માહોલ અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળી રહ્યો છે. તિરંગા યાત્રામાં નાસિકના ઢોલ અને સાત જેટલી ડીજે પાર્ટી સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાશે.