

અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટ શહેર પોલીસ (rajkot city police) દ્વારા બે અલગ અલગ જગ્યાએ જુગારધામ (Gambling place) પર દરોડો પાડીને 3 મહિલા સહિત કુલ 12 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે (police raid) જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ તેમજ કોરોના guideline ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ દ્વારા દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર નાગરિક બેંક ની પાછળ આવેલા કિસ્મત નગરમાં અશોકભાઈ સોલંકી નામના વ્યક્તિના રહેણાંક મકાનમાં દરોડો પાડી ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડયા છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, અશોક સોલંકી નામનો વ્યક્તિ કિસ્મત નગરમાં પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવી રહયો છે.


ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા રહેણાંક મકાનમાંથી તીન પત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત આઠ જેટલા શખ્સો ઝડપાયા છે. જેમની પાસેથી રૂપિયા 25200 રોકડ રકમ કબજે કરવામાં આવી છે.


બી ડિવિઝન પોલીસ દ્વારા કુવાડવા રોડ પર આવેલી આનંદ હોસ્પિટલની સામે બગીચા પાસે ચલણી નોટમાં એકી બેકી નો જુગાર રમતા ચાર જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ દ્વારા રાજેશકુમાર ઉર્ફે રાજુ કિશોરભાઈ હરેશભાઈ કઠવાડિયા બટુકભાઈ દેવરાજભાઈ ગજેરા શાંતિભાઈ અરજણભાઈ ગજેરા સહિતના લોકોને ઝડપી પાડી તેમની પાસેથી 12340 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે.


ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા માટે મતગણતરીની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. ત્યારે અત્યાર સુધી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આચાર સંહિતા લાગુ હતી. તો બીજી તરફ ચૂંટણીનો પણ માહોલ હતો. જેના કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનના થાણાના અમલદારોને આદેશ પણ આપ્યો હતો. જેના કારણે રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂ-જુગાર ગેરકાયદેસર હથિયારો તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.