

અંકિત પોપટ, રાજકોટ: ગુજસીટોક ગુના (The Gujarat Control Of Terrorism and Organised Crime)માં ફરાર લાલા ગેંગનો સાગરીત સાહિલ ઉર્ફે સોયલો મહમદ પારેખ પાંચ માસ બાદ ઝડપાયો છે. છેલ્લા પાંચ માસથી ફરાર આરોપીને કોણે આશરો આપ્યો હતો, કોણે આર્થિક મદદ કરી હતી સહિતને મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરમાં માત્ર 24 કલાકની અંદર લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land grabbing act) અંતર્ગત બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આશરે પાંચેક મહિના પહેલા શહેરના થોરાળા પોલીસ સ્ટેશન (Thorada police station) વિસ્તારમાં ઈમ્તિયાઝ ઉર્ફે લાલા અને તેની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.


આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડિયાએ જણાવ્યું હતું કે, હાલ થોરાળા પોલીસ દ્વારા આરોપીનો કબજો લઈ લેવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવશે. આરોપી છેલ્લા પાંચ મહિનાથી કઈ કઈ જગ્યાએ છુપાયો હતો? તેને કોણે આશરો આપ્યો હતો? કોણે આર્થિક મદદ કરી હતી વગેરે બાબતે પૂછપરછ કરવામાં આવશે. સાથે જ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેઅમદાવાદ, અજમેર, મુંબઈ અને ગોવા સહિતના સ્થળો રોકાયો હોવાની માહિતી મળી છે.


ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત તેની સાથે ઓર્ગેનાઈઝ ક્રાઇમ સાથે જોડાયેલ 11 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય ગુનામાં જેલમાં રહેલા બે આરોપીઓનો જેલમાંથી કબજો મેળવીને ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મામલે સાહિલ ઉર્ફે સોયલો ઝડપાઈ જતાં કુલ 9 આરોપીઓની ધરપકડ થવા પામી છે. જ્યારે બે આરોપીઓની હજુ પણ શોધખોળ શરૂ છે.


કયા આરોપી વિરુદ્ધ નોંધાયા છે કેટલા ગુના : ઇરફાન રાઉમાં વિરુદ્ધ 6 ગુના, શેહજાદ જુલાણી વિરુદ્ધ 5 ગુના, ઇમરાન કંડિયા વિરુદ્ધ 4 ગુના, ફારુક મૈણ વિરુદ્ધ 2 ગુના, જાવિદ દાઉદાણી વિરુદ્ધ 5 ગુના, સાબિર અબ્બાસી વિરુદ્ધ 4 ગુના, ઈમ્તિયાઝ ઉર્ફે લાલા વિરુદ્ધ 15 ગુના, એજાઝ બ્લોચ વિરુદ્ધ 5 ગુના, સદામ વિરુદ્ધ 6 ગુના, મહમદહુસેન વિરુદ્ધ 3 ગુના, સોહિલ વિરુદ્ધ 11 ગુના નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં ઈમ્તિયાઝ લાલા અને તેના સાગરિતો દ્વારા ફાયરિંગ, વાહનોમાં તોડફોડ સહિતના ગુનાઓને અંજામ આપ્યો હતો. જે મામલે રાજકોટ શહેરના થોરાળા પોલીસ દ્વારા ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ફાયરિંગ તેમજ વાહનોમાં તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી.