અંકિત પોપટ, રાજકોટ: નવા વર્ષની પાર્ટી (New Year Party) યોજાવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસે (Rajkot Police) એક બાદ એક વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ (Rajkot City Crime Branch) તેમજ રાજકોટ શહેર એસ.ઓ.જીએ માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન ત્રણ જેટલી જગ્યાએથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ત્રણ જેટલી જગ્યાએથી કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે, અમારી ટીમના પીએસઆઇ એમ.વી. રબારીની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક વ્યક્તિઓ બોલેરો પીકઅપ વાનમાં શાકભાજીના કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુવાડવા ખાતે નેશનલ હાઈવે પરના સોખડા ગામના રસ્તા પહેલા ઇન્ડિયન ગેસ બોટલિંગ પ્લાન્ટ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરના સાધુ વાસવાણી રોડ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્રાન્ડની અલગ અલગ કંપનીની 18 જેટલી બોટલ કબજે કરી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ વનરાજસિંહ જાડેજાની ટીમને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર ક્વાર્ટર બ્લોક નંબર બી-23માં રહેતા રેશ્માબેન દુધરેજીયાના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો સંઘરી રાખવામાં આવ્યો છે.