

અંકિત પોપટ, રાજકોટ : રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. તો બીજી તરફ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયા બાકી છે. ત્યારે ચૂંટણીમાં લોભ પ્રલોભન અર્થે દારૂની રેલમછેલમ પણ કરવામાં આવતી હોય છે. જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાર જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડયો છે.


ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ખોડિયાર પરા શેરી નંબર 15 માં આરોપી સલીમ ભાઈ દોઢિયાનું મકાન આવેલું છે. જે મકાનમાં તેણે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યા હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. તે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીના રહેણાંક મકાને પહોંચી હતી. ત્યારબાદ આરોપીના રહેણાંક મકાનની ઝડતી દરમિયાન તપાસ કરતા મકાનમાંથી 62 જેટલી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 69 હજાર કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા કુચીયાદળ ગામના પાટિયા પાસેથી 7,72,800 રૂપિયાની કિંમતનો 2040 બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે news18 ગુજરાતી સાથેની વાતચીતમાં એસઓજી પીઆઇ રોહિત રાવલે જણાવ્યું હતું કે, પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કુચીયાદળ ના પાટીયા પાસેથી દારૂ ભરેલો ટ્રક પડ્યો છે. જે બાબતે એસઓજીની ટીમે 4322 નંબરનું ટોરસ ઝડપી પાડી તેની ઝડતી લેતાં ટ્રકમાં એક મોટું બોક્સ બનાવેલું નજરે પડયું હતું. જે બોક્સ તોડી ને ચેક કરતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.


રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે ચાવડા એ ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીએસઆઇ એમ ઝાલા અને તેમની ટીમને બાતમી મળી હતી કે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોઠડા ગામ બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયા થી પડવલા ગામ તરફ જવાના રસ્તે ખુલ્લી જગ્યામાં આરોપી અશ્વિન ગોહિલે છુપાવી રાખી છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ઘટનાસ્થળેથી આરોપી જુદા જુદા બ્રાન્ડની 59 દારૂની બોટલ સાથે ઝડપાઈ જતાં તેની ધરપકડ કરવામાં આવી છે.