

અંકિત પોપટ, રાજકોટ : જિલ્લાના આટકોટ ગામે નોનવેજની કેબિનમાં રહેલા ગેસના ચાર સિલિન્ડર પૈકી એક સિલિન્ડર ફાટતા આગજની નો બનાવ સામે આવ્યો છે. જોકે દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા નથી પામી.


રાજકોટ જિલ્લાના આટકોટ બસ સ્ટેશન પાસે આવેલી સત્યમ હોસ્પિટલ પાસે મહોબત ખપે નામની નોનવેજ ની દુકાન માં ગેસના ચાર સિલિન્ડર પડ્યા હતા. જેમાં કોઈ કારણોસર ગેસનાં એક સિલિન્ડરમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે કેબિનમાં રહેલા અન્ય ત્રણ સિલિન્ડર માં આગ ના લાગતા મોટી જાનહાનિ થતાં રહી ગઈ હતી. ત્યારે ગેસનો સિલિન્ડર ફાટવાના કારણે બોમ્બ ફૂટયો હોય તે પ્રકારનો અવાજ આસપાસની દુકાનોમાં કામ કરતા લોકો તેમજ રાહદારીઓને સંભળાયો હતો. જેના કારણે લોકો ગભરાઇ પણ ગયા હતા તો સાથે જ આગજની નો બનાવ બનતા લોકો માં નાસભાગ પણ મચી જવા પામી હતી.


સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જસદણ થી તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સમગ્ર મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે થોડીવાર માટે રાજકોટ ભાવનગર હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. આગજની નો બનાવ સામે આવતા પીજીવીસીએલ દ્વારા થોડીવાર માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.


ત્યારે ફાયર બ્રિગેડના અધિકારીએ ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેના કારણે આગ પર કાબુ મેળવી શકાયો છે. નોનવેજ બનાવતી કેબિનમાં ચાર જેટલા ગેસના સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. જે પૈકી આ ગુજાર્યા બાદ ત્રણ સિલિન્ડર પેક હાલતમાં મળી આવ્યા છે. જ્યારે કે એક સિલિન્ડર ફાટેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારે કેબિનમાં રહેલા અન્ય સિલિન્ડરમાં આગ ન લાગતાં મોટી જાનહાનિ ટળી છે.