

અંકિત પોપટ, રાજકોટ : રંગીલું રાજકોટ (Rajkot) ફરી એક વખત રક્તરંજિત (Crime) બની ચૂક્યું છે. ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં જાણે કે હત્યાનો (Murder) સિલસિલો શરૂ થયો હોય તે પ્રકારે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં માત્ર ત્રણ દિવસના સમયગાળામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે હત્યાના બન્ને બનાવમાં હત્યા કરવાની પદ્ધતિ એકસરખી જોવા મળી રહી છે.


રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા મેંગો માર્કેટ પાસે પોરબંદરના યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકને માથામાં પથ્થરના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હત્યા કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.


સમગ્ર મામલે ન્યુઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં આર.એસ. ટંડેલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ પોરબંદરનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક નું નામ મુકેશ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે મુકેશની હત્યા કોણે કરી તેમ જ શા માટે કરી તે બાબતે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ સૂત્રોનું માનીએ તો મૃતક ભૂતકાળમાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.


ત્રણ દિવસમાં હત્યાના બે બનાવો સામે આવ્યા, બંને હત્યામાં હત્યાની પદ્ધતિ એક સરખીઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલ ચોક પાસે બની રહેલ ઓવરબ્રિજ ની જગ્યામાં વીંછિયાના વ્યક્તિની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં બે જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.