અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા (Rajkot municipal corporation) સહિત રાજ્યની 6 મહાનગરપાલિકા માટે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે. આગામી 19 તારીખ શુક્રવારના રોજ સાંજે 5:00 વાગ્યાથી પ્રચાર (Election campaign) પડઘમ શાંત થઈ જશે. ત્યારે અંતિમ ત્રણ દિવસોમાં શક્ય એટલા વધુ મતદાતા (Voters)ઓ સુધી પોતાની વાત પહોંચાડવા માટે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટ શહેર ભાજપ (BJP) દ્વારા જુદા-જુદા વોર્ડમાં મહિલા મતદાતાઓને આકર્ષવા માટે પર્સ, હેર પીન, હેર રિંગ, હેર બટરફ્લાય સહિતની ચીજવસ્તુઓ પ્રચાર-પ્રસાર સમયે આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપના 72 ઉમેદવાર મેદાનમાં છે. તેની સામે આમ આદમી પાર્ટીના પણ 72 ઉમેદવાર મેદાનમાં છે. બીજી તરફ મતદાન પહેલા જ કૉંગ્રેસની બે વિકેટ પડી જતાં માત્ર 70 ઉમેદવાર મેદાનમાં છે. આગામી 23 તારીખના રોજ રાજકોટ મનપામાં કયા પક્ષનું શાસન આવશે તે જોવું મહત્ત્વનું બની રહેશે.