

હરીન માત્રાવાડિયા, કાગવડ : 21 જુનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની યોગ પધ્ધતિ આજે વિશ્વભરમાં પ્રચલિત બની છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના સમયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઓનલાઇન કરીને લોકોને યોગા સાથે જોડી રાખવાનો પ્રયાસ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા કરાયો છે.


21 જુન યોગ દિવસ નિમિત્તે લોકો પોતાના ઘેર રહીને યોગાસન કરી શકે અને યોગા અંગેનું માર્ગદર્શન મેળવી શકે તે હેતુથી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા દર વર્ષે 21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂર હોય ઉજવણી શક્ય નથી.


આ પરિસ્થિતિમાં પણ વધુમાં વધુ લોકો યોગા સાથે જોડાયેલા રહે અને યોગ પ્રત્યે લોકો માં વધુ જાગૃતી ફેલાય તે માટે નરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ ખોડલધામ કાગવડ મુકામે 21 જુનના રોજ વર્ચ્યુલ યોગા ઈવેન્ટ થકી ઘર ઘર સુધી યોગા પહોંચાડવાનું કામ કરવામાં આવ્યુ હતું.


વિશ્વ યોગ દિવસે યોગના નિષ્ણાત દ્વારા હાલની મહામારીની પરિસ્થિતિમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે શરીરને કેમ સ્વસ્થ રાખવું તેનું સંપુર્ણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતું.