

હરીન માત્રાવડિયા, રાજકોટ : જૈન સમાજે એક સૂત્ર અપનાવ્યું છે જમો મણભર પણ છોડોના કણભર. આ સૂત્રને તેઓ પોતાના નિત્ય ક્રમ, જાહેર કાર્યક્રમ અને ધાર્મિક પ્રસંગોમાં અનુસરે છે. જૈન સમાજના સંઘ જમણમાં બાળક કે મોટા લોકોની થાળી સાફ હોય તો તેને વંદન -પૂજન કરીને તેને 10 થી 50 રૂપિયાની પ્રભાવના આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કોઇ વડીલની થાળીમાં જમવાનું વધ્યું હોય તો તેને બે હાથ જોડીને વધેલું અન્ન ખાઈ જવા માટે સમજાવાય છે. સાથે જ 10 થી 50 રૂપિયાની રકમ ઉઘરાવવામાં આવે છે.


જેટલી રકમ ભેગી થાય તેટલી જ બીજી રકમ ઉમેરીને તે જીવદયામાં વાપરવામાં આવે છે. જૈન આગેવાનોના મત મુજબ અન્નની બચત સામાજિક ક્ષેત્રે લાભદાયી છે. જાહેર કાર્યક્રમમાં ખાસ તકેદારી રખાઈ છે.


ખોટો આગ્રહ કરવામાં આવતો નથી. કારણ કે, આગ્રહને કારણે મહેમાને ફરજિયાત થાળીમાં લેવું પડે છે અને અન્નનો બગાડ થાય છે. ભોજન પીરસનાર ઓછું જ આપે છે, કહે છે કે જેટલીવાર જોઇતું હોય લઈ જજો પણ અન્નનો બગાડ ન કરતા.


અવ્યવસ્થા ન થાય તે માટે રિપીટ કાઉન્ટર રાખવામાં આવે છે. જૈન સમાજમાં અન્નના આધ્યાત્નિક, આર્થિક અને ધાર્મિક મહત્વ મુજબ અન્નનો બચાવ કરવાથી અનંતા તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. આ એક પ્રકારનું તપ થાય છે. જેનો વ્યક્તિગત જીવનમાં પણ પ્રભાવ પડે છે.