અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) દ્વારા વસીમ સુલતાની નામના વ્યક્તિને 5.18 લાખનો બ્રાઉન સુગર નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર જાણે કે ગેરકાયદેસર હથિયારનું તેમજ નશાના કાળો કારોબારનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.તો બીજી તરફ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમ જ સ્થાનિક પોલીસ દ્વારા અવાર-નવાર ગેરકાયદેસર હથિયાર તેમજ નશાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવે છે ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંચ લાખથી પણ વધુ નો બ્રાઉન સુગર નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતુ કે, 'અમારી ટીમના પીએસઆઇ એમ.બી. રબારી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, શહેરના કુવાડવા હાઈવે પર માલયાસણ ગામના બસ સ્ટેશન પાસે વસીમ નામનો વ્યક્તિ નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો છે. ત્યારે પીએસઆઇ રબારી અને તેની ટીમ દ્વારા આરોપીની અંગજડતી કરવામાં આવતા તેના ચપ્પલના સગથરીની નીચેના ભાગે બ્રાઉન કલનો માદક પદાર્થ પોલીસથી બચવા સંતાડી રાખ્યો હતો.'
ત્યારે આ મામલે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો સાથે જ તેના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે કે, આખરે આરોપી માદક પદાર્થ ક્યાંથી લાવ્યો હતો. રાજકોટ શહેર અથવા તો પછી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કોને આ માદક પદાર્થ ની ડિલિવરી આપવાનો હતો.
જે રીતે રાજકોટમાં અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો લઈ આવવામાં આવતો હતો અને તેના માટે અનેક કીમિયાઓ પણ અજમાવવામાં આવતા હતા. ખાસ કરીને કારમાં ચોરખાનું બનાવી, રિક્ષામાં દારૂ સંતાડી, દૂધ ના ટેન્કરમાં દારૂ સંતાડવો જેવા નવા નવા કિમીયાઓ અપનાવતા હતા. ત્યારે હવે નશીલા પદાર્થ માટે ચપ્પલનો ઉપયોગ કરવાનો કીમિયો સામે આવ્યો છે. હાલ તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નશીલા દેખાતા પાઉડરને એફએસએલમાં મોકલવામા આવ્યો હતો. અત્યાર સુધીમાં વસીમ કેટલા રૂપિયાનો માદક પદાર્થ વેચી ચુક્યો છે. તે તમામ બાબતો પર થી ઉઠી પડદો હટાવી દેવામાં આવશે જે બાબતે તેની પૂછપરછ પણ કરવામાં આવશે.