અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ (Rajkot) શહેરમાં હત્યા, હનીટ્રેપ (Murder) જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મહિલા આરોપી કુખ્યાત વંદના વાઘેલાનું (Vandana Vaghela) નવું કારસ્તાન સામે આવ્યું છે. આ વખતે તેણે કરેલી કરતૂતોની એક વ્યક્તિએ ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. આ યુવતી પર અગાઉ સંગીન ગુનાઓ નોંધાયેલા છે ત્યારે તેણે ફરીથી નવું કારસ્તાન કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સાણસામાં આવી ગઈ છે.
આપણા સમાજમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે જેમાં કેટલાક લોકો નકલી પોલીસ બની લોકોને છેતરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં અકસ્માત સર્જયા બાદ યુવતીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બેદરકારી ભર્યું વાહન ચલાવી અકસ્માત સર્જી તેમજ પોલીસ તરીકે પોતાની ખોટી ઓળખ આપનાર વંદના ઉર્ફે વંશીકા વાઘેલાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર મામલે ન્યુઝ 18 ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પાર્થ પિયુષભાઈ મહેતા નામના ફરિયાદીએ પોલીસ ફરિયાદ આપી હતી કે, ચાર માર્ચના રોજ રાત્રીના 8:30 વાગ્યા આસપાસ બોમ્બે ગેસ પેટ્રોલ પંપ થી થોડે આગળ 25 થી 30 વર્ષની ઉંમર ધરાવતી યુવતી એકટીવા મોટરસાયકલ બેદરકારી ભર્યા રીતે ચલાવી મને અડફેટે લીધો હતો. યુવતી પાસે રહેલ એક્ટિવામાં આગળ પાછળ નંબર પ્લેટ નહોતી. પરંતુ અંગ્રેજીમાં P લખેલું હતું. યુવતીને મેં વાહન જોઈને ચલાવવાનું કહેતા તેણે મને કહ્યું હતું કે હું પોલીસ માં છું. પ્રથમ દ્રષ્ટિએ યુવતી મને નશામાં હોય તેવું લાગતું હતું તેમ જ સારી સ્થિતિમાં તે ઉભી પણ રહી શકતી નહોતી.
ભૂતકાળમાં આરોપી વંદના ઉર્ફે વંશીકા વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. જે પૈકી બે ગુના રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થવા પામ્યા છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ હત્યા નો ગુનો દાખલ થયો છે. જ્યારે કે તાલુકા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ સહિતનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે ફાઇલ તસવીર