

અંકિત પોપટ, રાજકોટ: છેલ્લા કેટલાય દિવસોથી કિસાન બિલ (Farm Bill)ના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન (Farmers Protest) કરી રહ્યા છે. ત્યારે પ્રદર્શનકારી ખેડૂતો પર પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ જિલ્લા કિસાન કૉંગ્રેસ (Rajkot Kisan Congress) દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કિસાન બિલ પાછું ખેંચવામાં આવે તેમાં સૂચવવામાં આવેલા સુધારા-વધારા પણ પાછા ખેંચવામાં આવે તે પ્રકારની માંગ જિલ્લા કૉંગ્રેસ કિસાન દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચે તે પૂર્વે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના ધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા.


મીડિયા સાથેની વાતચીતમાં કિસાન કૉંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતો તેમજ કૉંગ્રેસના આગેવાનો તેમજ નેતાઓ કલેક્ટર કચેરી સુધી ન પહોંચે તે માટે તમામ પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. ગઈકાલ રાતથી પોલીસ દ્વારા દબાણ બનાવવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.


દેશભરમાં જ્યારે કિસાન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા પણ કિસાન બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં જુદા જુદા પોસ્ટર બતાવી તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કિસાન સંઘ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ અધિક કલેકટર પરિમલ પંડ્યાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


મીડિયા સાથેની વાતચીતમાં કિસાન સંઘના હોદ્દેદારો તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે, "અમને ડર છે કે સરકાર કિસાન બિલ લાવી એમએસપી કરતા પણ ઓછા ભાવે કિસાનની જે જણસી છે તે વેચવાનું કાવતરું ઘડી રહી છે. આ સમયે વિરોધ પ્રદર્શન કરવા આવી પહોંચેલા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સહિત કુલ 12 જેટલા હોદ્દેદારો તેમજ ખેડૂતોની અટકાયત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે જે પ્રકારનો વિરોધ એક રાજકીય પાર્ટી તરીકે કૉંગ્રેસ પક્ષની કિસાન સેલ દ્વારા કરવો જોઈએ તે પ્રકારનો વિરોધ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો ન હતો.જેના કારણે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં નહોતી આવી. પરંતુ ભાજપની ભગીની સંસ્થા ગણાતી ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર કચેરી ખાતે જુદા જુદા પોસ્ટર દર્શાવી તેમજ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


સાથે જ અધિક કલેકટર પરિમલ પંડ્યાને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેના કારણે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારતીય જિલ્લા કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દિલીપ સખીયા સહિત કુલ 12 જેટલા આગેવાનો તેમજ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.