લ અંકિત પોપટ, રાજકોટઃ ફરી એક વખત નકલી ડોક્ટર (fake doctor) શ્યામ રાજાણી (Shyam Rajani) વિવાદમાં સપડાયો છે. બી ડિવિઝન પોલીસ (B Division Police) દ્વારા નકલી ડોક્ટર શ્યામ રાજાણી અને તેના પિતા હેમંતભાઈ દામોદર ભાઈ રાજાણી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બી ડિવિઝન પોલીસે બંને પિતા-પુત્ર પોતાની રેસ્ટોરેન્ટમાં કોઈપણ જાતની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને (corona patient) સારવાર આપી રહ્યા હોવાનું જણાતા તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેના જ કારણે હાલ ખાનગી હોય કે સરકારી હોસ્પિટલો ફૂલ થઇ રહી છે. દર્દીઓને ભરતી કરાવવા માટે તેના સગા વ્હાલાઓ એ હોસ્પિટલની બહાર કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા હેમંતભાઈ દામોદર ભાઈ રાજાણી અને શ્યામ હેમંતભાઈ રાજાને વિરુદ્ધ ગુનો દાખલ કરી હેમંતભાઈ દામોદર ભાઈ રાજાણીની ધરપકડ કરી છે. જ્યારે કે મુખ્ય આરોપી શ્યામ હેમંતભાઈ રાજાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથે ની વાતચીતમાં બિ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એમ.બિ.ઔસુરાએ જણાવ્યું હતું કે, બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલા ધી ગ્રેટ ભગવતી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ માં કેટલાક લોકોની અવર-જવર વધુ જોવા મળી રહી છે. જે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસના પીએસઆઇ બી. બી કોડીયાતર અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં ગયેલી ટીમને હોટલની બહાર ઉભેલા લોકોને પૂછપરછ કરતાં તેઓએ અંદર કોરોના ના દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. હોટલની અંદર જતા બી ડિવિઝન પોલીસના અધિકારીઓને કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ થયેલા જોવા મળ્યા હતા. તેમજ દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર મારફત ઓક્સિજન આપવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું હતું.
શ્યામ રાજાણી વિરુદ્ધ અગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે તેમ જ તેના પિતા હેમંતભાઈ વિરુદ્ધ સિવિલ હોસ્પિટલમાંથી દવાની ચોરી કરવાનો ગુનો દાખલ થયેલ છે. હેમંતભાઈ તેમજ તેનો દીકરો શ્યામ કોઈ પણ માન્ય સંસ્થાનું તબીબી પ્રેક્ટિસ કરવા માટેની ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતાં નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના અઢાર હજાર રૂપિયા જેટલો શૂટિંગ ચાર્જ લઇ તેમની સાથે છેતરપિંડી અને તેમના આરોગ્યની સાથે ચેડા કરતા હતા.