રાજકોટની (Rajkot) આજી નદીમાં (Aji River) પૂરની સ્થિતિ સર્જાતા 1000થી 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરવાસ અને રાજકોટમાં વરસાદને (Monsoon) કારણે આજી નદી ગાંડીતૂર થઇ છે. આજી ડેમની જળ સપાટી વધતા પાણી નદીમાં આવ્યું છે અને નદીનાં પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા સ્થિતિ વણસી છે. જોકે, તંત્ર ગઇકાલે શનિવારથી લોકોને સ્થળાતંર કરાવી રહ્યું છે. હાલ રામનાથપરા, ભવાનીનગર વિસ્તારમાં વરસાદી પાણી આવી ગયા છે.
આ કપરી પરિસ્થિતિ અંગે મેયર બીના બેન આચાર્ય સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, નિચાણવાળા વિસ્તારોમાંથી આશરે 1000થી 1200 જેટલા લોકોનું સ્થળાંતર કોર્પોરેશનની શાળામાં કરવામાં આવ્યું છે. આ લોકોની રહેવાની, ખાવા પીવાની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ગઇકાલે એટલે શનિવારે સાંજથી જ પોલીસ વિભાગ, મ્યુનિસિપલ તંત્ર, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ બધા આ કામગીરીમાં જોડાયા છે. શનિવારે સાંજે 6 વાગ્યાથી તંત્ર એલર્ટ થઇ ગયું હતુ અને રાતે 9 વાગ્યાથી લોકોને સમજાવીને સ્થળાંતર ચાલુ કરાયુ હતું.
તંત્ર પ્રમાણે, જો ઉપરવાસમાં હજી ભારે વરસાદ વરસસે તો પરિસ્થિતિ આનાથી વધારે વણસી શકે છે. હાલ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે જેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી આવી જતા ઘરવખરીને પણ નુકસાન થયું છે. આપણે રાજકોટનાં વરસાદની વાત કરીએ તો, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. જામનગર જિલ્લાના જોડીયામાં 14 ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ મોરબીમાં 10 ઈંચ વરસાદ પડતા મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લામાં આખી રાત વરસાદ વરસ્યો છે. સૌથી વધુ લોધિકામાં 5 ઈંચ, ઉપલેટામાં 4 ઈંચ, ગોંડલમાં 4 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.