

અંકિત પોપટ, રાજકોટ: તાપી જિલ્લા (Tapi District)માં ભાજપના નેતાએ કોરોનાની માર્ગદર્શિકા (Coronavirus Guidelines)ના લીરેલીરા ઉડાવ્યાના બનાવે ખૂબ ચર્ચા જગાવી છે. આ મામલે સરકારે દાખલો બેસાડતી કાર્યવાહી પણ કરી છે. જોકે, સરકારની અનેક વિનંતી છતાં લોકો નિયમોનું પાલન નથી જ કરી રહ્યા. હાલ કોરોનાની સાથે સાથે લગ્નની પણ સિઝન ચાલી રહી હોવાથી લોકોની બેદરકારી ભારે પડી શકે છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત (Rajkot District Panchayat)ના કારોબારી સમિતિના ચેરમેનની ઑફિસમાં નિયમોનાં લીરેલીરા ઉડ્યાં હોવાનો બનાવ સામે આવ્યો છે. આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠક મળી હતી. થોડાક દિવસો પૂર્વે વિકાસ કમિશનર દ્વારા ચેરમેન કિશોર પાદરીયાને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજરોજ કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂક કરવાની હતી. જે અંતર્ગત નવા ચેરમને તરીકે ભાનુબેન તળપદાની નિમણૂક કરવામાં આવી છે.


રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં ચોથા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. આગામી 22 ડિસેમ્બરના રોજ બોર્ડની મુદ્દત પણ પૂર્ણ થઈ રહી છે. બીજી તરફ નવનિયુક્ત ચેરમેન ભાનુબેન તળપદાની નિયુક્તિ કરવામાં આવતા તેમની ઓફિસમાં Covid-19ના નિયમોનો સરેઆમ ઉલાળિયો થતો નજરે પડ્યો હતો.


નવનિયુક્ત ચેરમેન ભાનુબેન તળપદાની ઑફિસમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનો સરેઆમ ઉલાડ્યો થતો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે.સખિયાએ પણ સરખી રીતે માસ્ક પહેયું ન હતું. અહીં મોટાભાગનાં રાજકીય આગેવાનો તેમજ સમર્થકોએ દાઢીના ભાગે માસ્ક રાખ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. એક તરફ રાજકોટ મનપા દ્વારા જો આમ આદમી દાઢી પર માસ્ક રાખે તો દંટ ફટકારી છે, તો બીજી તરફ રાજકીય હોદેદારો તેમજ આગેવાનોને Covid 19ના નિયમો લાગુ ન પડતાં હોય તેવી ઘટનાઓ સામે આવતી રહી છે.


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિકાસ કમિશનર દ્વારા કિશોરભાઈ પાદરીયાને કારોબારી ચેરમેનના પદ પરથી હટાવવામાં આવ્યા હતા તેમની ઉપર ભૂતકાળમાં લાંચ રૂશ્વત વિભાગ દ્વારા લાંચ લેવા બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં સતત જૂથબંધીના કારણે છેલ્લા બે વર્ષમાં બે જેટલા કારોબારી સમિતિના ચેરમેન બદલાઈ ચૂક્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાર જેટલા કારોબારી સમિતિના ચેરમેન બદલાયા છે. આમ 2015થી 2020 સુધીની જિલ્લા પંચાયતની ટર્મ છે તેમાં અનેક નવાજૂની થવા પામી છે.