

અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેરમાં ફરી એક વખત આપઘાતનો (Rajkot suicide) બનાવ સામે આવ્યો છે. આપઘાત કરનાર વિદ્યાર્થિનીએ માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, હું આવતી કાલે ઘરે આવી જઈશ, એક મહિનાની રજા મૂકીને આવું છું પરંતુ માતાને ખબર નહોતી કે દીકરી નહીં પરંતુ દીકરીની લાશ ઘરે આવી પહોંચશે.


રાજકોટની એચ. એન. શુક્લા નર્સિંગ કોલેજના (Nursing Student Suicide) ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જોડિયાના લખતરની સુજાતા ચૌહાણે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. એચ.એન.શુક્લા કોલેજ માં નર્સિંગ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી સુજાતા ચૌહાણ નામની યુવતી કોરોના ના કારણે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. તો સાથે જ નર્સિંગ નો ઓનલાઇન અભ્યાસ પણ કરતી હતી.


ત્યારે સુજાતા એ આપઘાત કરતા પહેલા તેણી ની માતાને છેલ્લો કોલ કરી કહ્યું હતું કે, online અભ્યાસક્રમ તેમજ covid હોસ્પિટલમાં ફરજ બજાવવાના કારણે છેલ્લા ઘણા સમયથી મારી તબિયત પણ નાદુરસ્ત રહે છે જેના કારણે એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જઈશ


રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવેલ નર્સિંગ હોસ્ટેલમાં જ સુજાતા ચૌહાણ પોતાની રૂમ પાર્ટનર સોનુ બેન સાથે રહેતી હતી. ત્યારે નાઈટ ડ્યુટી હોવાના કારણે સુજાતા મંગળવારના રોજ દિવસ ભર રૂમ પર જ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોતાની ડ્યુટી પૂર્ણ કરી રૂમ પર પરત આવેલા સોનું બહેને સૌ પ્રથમ રૂમ નો દરવાજો ખખડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સુજાતા એ દરવાજો ન ખૂલતાં સોનુ બહેને સુજાતા ને ફોન કર્યો હતો તેમ છતાં દરવાજો ન ખુલતા સોનુ બહેને અન્ય વિદ્યાર્થિનીઓ ને ફોન કરીને રૂમ પર બોલાવી હતી અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ એક સાથે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા અંદરથી સ્ટોપર ખુલી જતા છતના હુક માં દુપટ્ટો બાંધેલી લટકતી હાલતમાં સુજાતા ની લાશ સૌ કોઈએ જોઈ હતી.


ત્યારે સમગ્ર મામલાની જાણ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને પણ કરવામાં આવી હતી. તો સાથે જ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો રૂમ મેટ તેમજ સુજાતાની બહેનપણીઓ ના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કરી સુજાતાની લાશને સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવી હતી.