

અંકિત પોપટ, રાજકોટ: શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUIના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા PPE કીટ પહેરેની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આગામી 10 તારીખના રોજ શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરવામાં આવી હતી .અત્રે એ પણ નોંધવું રહ્યું કે ગત પહેલી ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કૉલેજોના 51 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ થવાની હતી જે કોરોના સંક્રમણમાં વધારો થવાના કારણે હાલ હાલ મોકૂફ રાખવામાં આવી છે.


ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, "અમારી માંગ છે કે જે પ્રકારે સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા કોરોના સંક્રમણ વધતા મોકૂફ રાખવામાં આવી છે. તે પ્રકારે 10મી ડીસેમ્બરના રોજ શરૂ થનારા પોસ્ટ ગ્રેજયુએશનની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવે. કારણ કે હાલ જે પ્રકારે રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો છે ત્યારે પરીક્ષા અર્થે ઘણા પરીક્ષાર્થીઓને બહાર ગામથી પરીક્ષા આપવા આપવું પડશે."


NSUIની રજૂઆત બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ પણ કાળે 10મી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા મોકૂફ રાખવામાં નહીં આવે. 10ની તારીખથી શરૂ થનાર પરીક્ષા 15 હજારથી વધુ પરીક્ષાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિગ સાથે આપશે. તેમજ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે વીમા કવચ પણ પૂરું પાડવામાં આવશે."


ઉલ્લેખનીય છે કે આગામી 10મી ડિસેમ્બરથી બી.એ, એમ.એ, એમ.કોમ, એમ.એસ.સી, એમ.બી.એ, એમ.એસ.ડબલ્યુ, એલ.એલ.એમ, બી.એ.એલ.એલ.બી, સહિત કુલ 21 ફેકલ્ટીની રેગ્યુલર તેમજ એક્સટર્નલ પરીક્ષા લેવામાં આવનાર છે.


અત્રે એ પણ નોંધવું રહ્યું કે ગત પહેલી ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કૉલેજોના 51 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ થવાની હતી જે કોરોના સંક્રમણમાં વધારો થવાના કારણે હાલ હાલ મોકૂફ રાખવામાં આવી છે. આ મામલે આવતા સપ્તાહે સિન્ડિકેટ સભ્યોની બેઠક પણ મળશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે જે 51,000 પરીક્ષાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે પછી 15મી ડિસેમ્બર બાદ લેવી.