

અંકિત પોપટ, રાજકોટઃ એક તરફથી રાજકોટ શહેરમાં (Rajkot city) દિવસે ને દિવસે કોરોના વાયરસના (coronavirus) ઇન્જેક્શનની કાળા બજારી કરનારા એક બાદ એક કૌભાંડીઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોના (covid-19) સંક્રમણની વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા મુન્નાભાઈ એમબીબીએસને (MBBS) ઝડપી પાડવામાં આવ્યો છે.


કોરોના સંક્રમણ વચ્ચે ઝડપાયો મુન્નાભાઈ એમબીબીએસઃ દિવસેને દિવસે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે પોઝિટિવ કેસનો આંક સતત કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે બીજી તરફ રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ જાણે કે ઊંઘી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ફરી એક વખત આરોગ્ય વિભાગે નહીં પરંતુ રાજકોટ શહેર પોલીસે બોગસ તબીબને ઝડપી પાડયો છે.


કમ્પાઉન્ડમાંથી તબીબ બની લોકોને તપાસતો હતો, કેસ દીઠ લેતો હતો 50 રૂપિયાઃ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ દ્વારા અરવિંદ પરમાર નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી ધરાવ્યા વગર જ તબીબી પ્રેક્ટિસ કરતો હતો. એસીપી એચ એલ રાઠોડના જણાવ્યા પ્રમાણે અરવિંદ પરમાર નામનો વ્યક્તિ હસનવાડી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દવાખાનુ ચલાવતો હતો.


સૌથી મહત્વની વાત તો એ છે કે હાલ અરવિંદ પરમાર નામનો વ્યક્તિ જે જગ્યાએ છબી બની તબીબી પ્રેક્ટિસ કરતો હતો તે જગ્યા પર તે એક વર્ષ પહેલા કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. એક વર્ષ પૂર્વે તે જે ડોક્ટરની અંદરમાં કામ કરતો હતો કે ડોક્ટરે કોઈ કારણોસર દવાખાનું ખાલી કર્યા બાદ તે જ જગ્યાએ તે કમ્પાઉન્ડર મટી તબીબ બની ગયો હતો. તેમજ જે કોઈ પણ વ્યક્તિ તેની પાસે નિદાન માટે આવતું તે નિદાન માટે એક કેસ દીઠ તે 50 રૂપિયા પણ લેતો હતો તો સાથે જ એલોપથીની દવા પણ તે દર્દીઓને આપતો હતો.


ભક્તિનગર પોલીસે હાલ તબીબી ડોક્ટરને એલોપેથી દવા તેમજ તબીબી પ્રેક્ટિસ ના સાધનો તેમજ ઇન્જેક્શન ના જથ્થા સાથે ઝડપી પાડયો છે. તો સાથે જ આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે કે તેની પાસે મોટાભાગના દર્દીઓ મજૂરી કામ કરનારા જ આવતા હતા. જેના કારણે આ જ દિવસ સુધી તેની તબીબી પ્રેક્ટિસ અંગે કોઇ સવાલો ઊભા થયા નહોતા. કારણ કે તેના પાસે તબીબી સારવાર લેવા આવનાર વ્યક્તિઓ મોટાભાગે અભણ તેમજ ઓછું ભણેલા હતા.