ન્યૂઝ18 ગુજરાતી : મોરારિબાપુના નિવેદન અને માફી બાદ સોશિયલ મીડિયામાં બાપુને સમર્થન કરતા ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. દરરોજ બંને તરફથી અલગ અલગ વીડિયો જાહેર કરીને એકબીજા વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મોરારિબાપુના સમર્થનમાં મંગળવારે ભવનાથ તળેટી ખાતે સનાતન ધર્મ સંમેલન મળી રહ્યું છે. તો સાંઈરામ દવે, માયાભાઈ આહિર અને ગાયક જિગ્નેશ કવિરાજ સહિતના કલાકારોએ બંને પક્ષના લોકોને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને આગમાં ઘી ન હોમવાની વિનંતી કરી છે.
આ મામલે નિવેદન કરતા કલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું કે, "વૈદિક હિન્દુ સનાતન ધર્મનો જય હો. પહેલીવાર ભગ્ન હૃદયે અને મારી ફરજના ભાગરૂપે હું આ વીડિયો મૂકી રહ્યો છું. છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ધર્મના નામે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ખુલાસો કરી દઉં કે હું 8-9 અને 10માં ધોરણમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણ્યો છું. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતોના મે આશીર્વાદ લીધા છે. પૂજ્ય બાપુ મારા માટે ભગવાન છે. બાપુ અને સ્વામિનાયારણના ભક્તોને કહેવાનું કે બાપુની કરુણા ગણિકાઓ, કિન્નરો સુધી પહોંચી છે. તરછોડાયેલા લોકોને પણ બાપુ ગળે લગાડે છે. બાપુએ એમ કહ્યું કે ઝેર પીવે તેને નીલકંઠ કહેવાય. આવું કહીને બાપુએ ક્યાંય સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ નથી લીધું. બાપુએ આની માફી પણ માંગી છે. સમગ્ર હિન્દુ સમાજ માટે આ જોખમી ઘટના છે. આપણા માટે તમામ સાધુ સંતો કે સત્યનારાયણની પૂજા કરતો બ્રાહ્મણ પણ પૂજનીય છે. સંસારી જ્યારે ઝઘડા કરે ત્યારે તેઓ સાધુઓ પાસે જાય છે, પરંતુ મહાપુરુષો કે સંતોમાં કોઈ વાત વિવાદમાં પરિણમે ત્યારે સંસારીની કોઈ ઔકાત નથી કે અમે તેનું સમાધાન લાવી શકીએ."
"ગુજરાતની આધ્યાત્મિક તંદુરસ્તી માટે સોશિયલ મીડિયા પર આપણે કોઈ આવા વીડિયો મૂકીને આગમાં ઘી હોમવાનું કામ ન કરવું જોઈએ. બાપુ વિશે સ્વામિનારયણનો કોઈ ભક્ત કે સ્વામિનારાયણ માટે બાપુનો કોઈ ભક્ત ઉતરતી વાત કરે તેમાં અંતે હિન્દુધર્મ અને આપણી શ્રદ્ધા ઘાયલ થાય છે. બાપુનો પ્રેમ મેં અનુભવ્યો છે, તેઓ ક્યારેય કોઈને ઠેંસ પહોંચે તેવું કામ ન કરે. આપણે આ આગને હવા ન આપીએ. તેનું નુકસાન સમગ્ર હિન્દુ સમાજને થઈ રહ્યું છે. એકબીજા પર કાદવ ઉછાળવાથી તમામના કપડાં ગંદા થશે. નાના છોકરાઓ આ જોઈ રહ્યા છે તેમના માનસ પર ખરાબ અસર પહોંચી રહી છે."
હાસ્ય કલાકાર માયાભાઈએ વીડિયો જાહેર કરીને નિવેદન આપ્યું કે, "જેણે ઝેર પીધું હોય તેનું જ કંઠ લીલું હોય. ભગવાને ઝેર પીધું નથી પરંતુ ગળામાં રાખ્યું છે. મોરારિબાપુ જે કથા કરી રહ્યા હતા તેનું નામ હતું માનસરુદ્રાભિષેક. આખી કથા અભિષેક પર જ હતી. આ કથાની અંદર મોરારિબાપુએ કહ્યું હતું કે અભિષેક કોના પર હોય. બાપુએ કથામાં નીલકંઠનો જ ઉલ્લેખ કર્યો છે. નીલકંઠવર્ણીનો ઉલ્લેખ કર્યો જ નથી. બાપુએ લાડુડી શબ્દનો ઉપયોગ કર્યો હોવાથી સ્વામિનારાયણ ભક્તોએ નીલકંઠવર્ણી સમજી લીધું છે. નીલકંઠવર્ણી શબ્દ બાપુ બોલ્યા જ નથી. બાપુને ખબર પડી ત્યારે તેમણે તરત માફી માંગી લીધી હતી. બાપુની માફી પછી સ્વામિનારાયણ સંતો બાપુ વિશે મનફાવે તેવા ઉચ્ચારણો કરી રહ્યા છે."
"બાપુને કોઈ સંપ્રદાય માટે કોઈ ખરાબ લાગણી નથી. બાપુ અમારો બાપ છે. તમારા ગુરુ તમારા માટે ભગવાન સમાન છે તેવી રીતે અમારા ગુરુ અમારા માટે ભગવાન સમાન છે. ધર્મનું માન રાખીને કોઈએ અત્યાર સુધી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ નથી કર્યો. બાપુ ક્યારેય કોઈ પાસેથી એક રૂપિયો નથી લેતા. તમે નક્કી કરો કે અમે પણ સમાજ પાસેથી કંઈ નહીં લઈએ અને સમાજને કંઈક આપીશું. બાપુએ કોઈને વટલાવ્યા વગર વહાલ કર્યો છે."
આ મામલે નિવેદન કરતા ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજે જણાવ્યુ કે, "બે-ત્રણ દિવસથી પરમ પૂજનીય વિશ્વવંદનીય મોરારિબાપુએ જે વાત કરી હતી તેના પર જે લોકો ટીપ્પણી કરી રહ્યા છે તેમને કહેવાનું કે, હું જાતભાત, નરનારી, ઊંચનીચ કે રંગરૂપમાં નથી માનતો. કારણ કે સનાતન ધર્મ તેમાં નથી માનતો. હું કૃષ્ણ, શિવ, બ્રહ્મા અને મા શક્તિની પૂજા કરું છું કારણ કે સનાતન ધર્મ તેની પૂજા કરે છે. ના મારો કોઈ પંથ છે ના મારો કોઈ વડો છે. નીલકંઠ એક જ અમારો ભોળિયો નાથ છે. નદીઓ પોતાની રીતે વહે છે પરંતુ અંતે તો તેમણે સમુદ્રમાં જ ભળવું પડે છે."