ન્યૂઝ18 ગુજરાતીઃ જસદણમાં સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મતદાનની સાથે સાથે બબાલ અને વિરોધના બનાવો સામે આવવા લાગ્યા છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાની આટકોટ પોલીસે જસદણની હદમાં પ્રવેશ કરવાના ગુનામાં અટકાયત કરી લીધી છે. તેમને પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ પરત મોકલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ ભાજપના ઈશારે ફક્ત તેમના નેતાઓની જ અટકાયત કરી રહી છે. સાથે જ તેમણે ભાજપના નેતાઓ જસદણમાં હોય તેવા પુરાવા પણ રજુ કર્યા છે.
વિરજી ઠુમ્મરના ધરણાઃ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જસદણના સાણથલી ગામ પાસે ધરણા કર્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસ તરફથી મતદાન કરનારા લોકોને મતદાન કરતા રોકવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે પોતાના ધારાસભ્યની અટકાયતનો પણ વિરોધ કર્યો હતો. વિરોધ માટે તેઓ રસ્તાની બાજુમાં ધરણા પર બેસી ગયા હતા.
કોંગ્રેસે આપ્યા પુરાવાઃ કોંગ્રેસે ભાજપના નેતાઓ જસદણમાં હાજર હોવાનો દાવો કરીને પુરાવા રજુ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા જસદણ ભાજપ કાર્યાલય ખાતે હાજર છે. પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ભાડલા ગામ ખાતે હાજર હોય તેના પર પુરાવા છે. સાથે જ મનિષ દોશીએ પોલીસ અને તંત્ર પર ભાજપના ઈશારે કામ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.