જૂનાગઢ/અમદાવાદ : છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન બન્યા છે. અનેક વિસ્તારોમાં સિઝનનો અડધો કે તેનાથી વધારે વરસાદ એક સાથે ખાબકી ગયો છે. ત્યારે હજુ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદ બાદ નવવી જુલાઇથી ક્રમશ: વરસાદનું ઝોર ઘટશે. બીજી તરફ વરસાદને પગલે જૂનાગઢના ગીરનાર પર ઝરણા જીવંત થયા છે.
અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી સરેરાશ 27 ટકા વરસાદ પડ્યો છે. વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગીરનાર પર્વત પર સોમવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જેના પગલે જટાશંકર મહાદેવ પાસે ઝરણાના અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
જૂનાગઢમાં અવિરત વરસાદથી જિલ્લાની નદીઓ અને નાળા છલકાયા છે. ખાસ કરીને વિલિંગ્ડન અને આણદપુર ડેમ છલકાયો છે. જેને લઈને પાણીનો પ્રશ્ન હલ થયો છે. ગત રાતથી જિલ્લા ત્રણથી લઈને આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલામાં ગત રાત્રીથી અવરિત મેઘાએ પોતાનું હેત વરસાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ત્રણથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડતા નદી નાળા છલકાઇ ગયા હતા. વરસાદને પગલે જિલ્લાના માણાવદરનો રસાલા તેમજ બાંટવાનો ખારો ડેમ ઓવરફલો થઇ ગયો હતો.
જૂનાગઢના ગીરનાર પર્વત પર ભારે વરસાદ થતા વિલિંગ્ડન ડેમ પહેલા વરસાદે ઓવરફ્લો થતા જૂનાગઢ મ્યુનિસિપલ કમિશરને ડેમની મુલાકાત લીધી હતી. તેઓએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ગત વર્ષે સારો વરસાદ થતા જૂનાગઢ શહેરમાં પાણીનો કોઈ પ્રશ્ન ન હતો. જૂનાગઢ ની 60% વસ્તીને પાણી પૂરું પાડતા બે ડેમો પ્રથમ વરસાદે ઓવર ફલો થયા છે. હવે અમારી પાણીની અધૂરી કામગીરીમાં ઝડપ આવશે. પાણીનો પ્રશ્ન કાયમી માટે હલ થશે."
જૂનાગઢમાં ભારે વરસાદથી દામોદર કુંડમાં નવા પાણીની આવક થઈ છે. કાળવા અને સોનરખ નદીમાં પણ નવા નીર આવ્યા છે. તો જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું છે. ગીરનારમાં વરસાદને લઈને પાણીની આવક થતાં તળાવ ઓવરફ્લો થયું છે. સરવરો છલકાતા આસપાસના રહેણાંક વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવશે.