

રાજ્યમાં (Gujarat) હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની (haevy rainfall forecast) આગાહી મુજબ હજુ બે દિવસ ભારે વરસાદ પડશે. ત્યારે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો આંકડા પ્રમાણે વરસાદની (monsoon) વાત કરીએ તો આજે સવારે 6 કલાકથી બપોરે 12 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ પંચમહાલનાં હાલોલમાં 5.32 ઇંચ નોંધાયો છે. એટલે હાલોલમાં માત્ર ચાર જ કલાકમાં 5.32 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ રાજકોટમાં 4.88 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં 4.72 ઇંચ, કોટડસંઘાણીમમાં 4,52 ઇંચ, વડોદરામાં 4.28 ઇંચ વરસાદ નોંધાયો છે.


રાજકોટ જિલ્લામાં સવારથી અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. બાબરાનાં દરેડ ગામે ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ગામમાંથી પસાર થતી કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ સાથે ગોંડલ તાલુકામાં પણ ત્રણ ઈંચ વરસાદથી જૂની માંગણી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોધિકા તાલુકામાં વહેલી સવારથી વરસાદ ચાલુ હોવાથી ખેતરો પાણી પાણી થયા છે. કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે.


રાજકોટ શેહરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજી નદી બેકાંઠે વહેતા રામનાથપરા, જંગલેશ્વર, લલૂડી વોંકળી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદથી તંત્રએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. પોપટપરાનું નાળામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે.


રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી-1 ડેમ 2.13 ફુટે ઓવરફલો થયો છે. ડેમમાં 20881 ક્યુસેક પાણીની આવક થઇ છે અને 20881 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે. જેથી છાપરવાડી-1 ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોંડલ તાલુકાના ડૈયા, ચરખડી, કોલીથડ, લુણાવાવ, પડવલા, વેજાગામ અને ગરનલા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.