

અંકિત પોપટ, રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) હાલ કોરોના સંક્રમિત છે. આ કારણે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat local body polls)માં પ્રચાર પ્રસાર નહીં કરી શકે. બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હૉમટાઉન એવા રાજકોટ શહેર (RMC Election)માં પ્રથમ વખત દાયકાઓ બાદ એક એવી ચૂંટણી યોજાઈ રહી છે, જેના પ્રચાર-પ્રસાર સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રત્યક્ષ રીતે હાજર નથી. આમ છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પરોક્ષ રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરી બતાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા બાદ ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલે અનેક સંવેદનશીલતા બતાવતા હોય તેવા વીડિયો રિલીઝ કર્યા છે. આ વીડિયોમાં ગુજરાતનો દરેક નાગરિક કોરોના સંક્રમિત થયેલા વિજય રૂપાણીની સાથે છે તે પ્રકારનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.


બીજી તરફ રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની સાથેસાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.


AIIMSની ભેટ, ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ, 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કોર્ટ કે પછી જીઆઇડીસીની ભેટ હોય. તેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ચહેરો બતાવવામાં આવ્યો છે. દરેક વિકાસ કાર્યોને મુખ્યપ્રધાન તેમજ વડાપ્રધાન સાથે જોડવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના 20 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી બનાવવામાં આવી હતી. સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય રૂપાણી કોરોના સંક્રમિત હોવાથી હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે.


બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં પરોક્ષ હાજરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ઠેરઠેર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંવેદનશીલતા પ્રદર્શિત કરતા હોય તે પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઠેરઠેર વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલા રાજકોટ શહેર માટેના વિકાસ કાર્યો તેમજ તેમની સંવેદનશીલતા જનજન સુધી પહોંચાડવા રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.