

હરિન માત્રાવાડિયા, રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body polls)ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. નેતાઓના પ્રચાર વચ્ચે રાજકોટ શહેરના વોર્ડ નંબર 9માં પોસ્ટર વૉર (Poster war) સામે આવ્યું છે. વોર્ડ નંબર 9માં લોકોએ રિક્ષા (Rickshaw) પાછળ નેતાઓને સવાલો કરતા બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો છે.


શહેરના વોર્ડ નંબર 9 ખાતે રિક્ષાઓ પાછળ બેનરો લગાવી નેતાઓને કેટલાક સવાલો કરવામાં આવ્યા છે. આ બેનરો ભાજપના વિરોધીઓએ લગાવ્યા હોવાનું અનુમાન ભાજપના ઉમેદવારો લગાવી રહ્યા છે.


ભાજપ દ્વારા આ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં 264 કરોડનાં કામો કરવામાં આવ્યા હોવાનું જનસંપર્ક દરમિયાન લોકોને કહેવામાં આવી રહ્યું છે. આ જ વિકાસકામોની યાદી લઈને ભાજપના ઉમેદવારો મત માંગવા જઈ રહ્યા છે.


રિક્ષા પાછળ લાગેલા બેનરમાં લખેલા લખાણો: 1) 24 કલાક પાણી આપવાના વચન નું થયું શું? 2) ટ્રાફિક વ્યવસ્થા સુધારવા બદલે ઘરે ઘરે ઇ-મેમો પહોંચાડ્યા. 3) ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરી ચોમાસામાં પાણી નિકાલના વાયદાનું થયું શું? 4) શિક્ષણની ફી વધારા સામે વાલીઓ સાથે ઊભા રહેવાની વાતનું શું? 5) CCTV કેમેરા લગાવી સુરક્ષાની વાત કરવામાં આવી તેનું શું?


મહત્તવનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા રહ્યા છે. આ દરમિયાન લોકો તેમને પ્રાથમિક સુવિધા હજી સુધી ન મળી હોવાનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ભાજપનું શાસન છે, હવે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.