અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ મનપા (RMC Election)ની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા 21મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ત્યારે મતદાનની પ્રક્રિયા યોજાય તે પૂર્વે જ ભાજપે કૉંગ્રેસના ઉમેદવાર (Congress candidate)નો ખેલ પાડી દીધો છે.આજ રોજ યોજાઈ રહેલી ફોર્મ ચકાસણી (Form check)ની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કૉંગ્રેસ (Congress)ના અનેક ઉમેદવારોના ફોર્મમાં વાંધા લીધા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં વોર્ડ નંબર-1ના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતભાઇ શિયાળ (Bharatbhai Shiyal)નું ફોર્મ રદ થયું છે. જ્યારે કૉંગ્રેસ પક્ષના વોર્ડ નંબર-4ના ઉમેદવાર નારણભાઈ સવસેતા (Naranbhai Savseta)નું ફોર્મ પણ રદ થયું છે. નારણભાઈ સવસેતાના ડમી ઉમેદવાર રામભાઈ જીલરીયાનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે. આ મામલે કૉંગ્રેસ પાર્ટી ભાજપા પર સત્તાનો દુરુપયોગનો આક્ષેપ લગાવ્યો છે. (તસવીર: ભરતભાઈ શિયાળ, નારણભાઈ સવસેતા, રામભાઈ જીલરીયા)
ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ઉદય કાનગડે જણાવ્યું હતું કે, 125 વર્ષ જૂની કૉંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના જ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં મોડું કરવામાં આવ્યું હતું. કેટલાક ઉમેદવારોને મેન્ડેટ જ આપવામાં નથી આવ્યો. જેમાં ભરતભાઈનો પણ સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના ઉમેદવારી ફોર્મને લઈને વાંધો ઉઠાવવામાં આવતાં ચૂંટણી અધિકારીએ કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતભાઇ શિયાળને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં ન આવેલો હોવાથી તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. (તસવીર: ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ઉદય કાનગડ, કૉંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ)
આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી ગુજરાતી સાથેની વાતચીતમાં વોર્ડ નંબર-4ના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર નારણભાઈ સવસેતાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા મારા ફોર્મને લઇને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મારે ત્રણ સંતાનો હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. પરંતુ મારા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રામભાઈ જીલરીયાનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તે નિયમ પૈકી બે સંતાનથી વધુ સંતાન હોય તેવા ઉમેદવારોના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવે તો ફોર્મ રદ થઈ શકે છે. ભાજપે આ જ નિયમનો સહારો લઇ કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર નારણભાઈ સવસેતાનું ફોર્મ રદ કરાવ્યું છે. (તસવીર: ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભરતભાઈ શિયાળ)
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા આજ રોજ શરૂ છે. બહુમાળી ભવનમાં વોર્ડ નંબર 10, 11, 12 ના ઉમેદવારોના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કૉંગ્રેસના ઉમેદવારોના ફોર્મ 'ક' અને 'ખ'માં વાંધો લીધો હતો. જોકે, ચૂંટણી અધિકારીએ તે વાંધો ગ્રાહ્ય રાખ્યો ન હતો. ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પક્ષના નેતા હેમાંગ વસાવડા અને કૉંગ્રેસ પક્ષના વોર્ડ નંબર-12ના ઉમેદવાર વિજય વાંકે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી ફોર્મ રદ કરાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. (તસવીર: (ડાબે) રાજભા ઝાલા, પ્રમુખ, આમ આદમી પાર્ટી, રાજકોટ શહેર)
બીજી તરફ હજુ સુધી ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારનું ફોર્મ રદ થયાના સમાચાર સામે નથી આવ્યા. આ વખતેની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ-કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. કૉંગ્રેસ પક્ષના વોર્ડ નંબર-1ના ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ થતા તેમણે મીડિયા સાથે વાતચીતનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં નારાજ થયેલા ભરત શિયાળ કલેકટર કચેરી છોડીને જતા રહ્યા હતા. (તસવીર: ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નંબર -3ના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ)