રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે નિધન થયું હતું. શુક્રવારે રાજકોટ ખાતે રણજીત પેલેસમાં દાદાના હુમલામણા નામનથી જાણીતા મનોહરસિંહજીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. દાદાની અંતિમવિધિ રાજવી પરંપરા પ્રમાણે કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ તેમના દર્શન માટે રણજીત પેલેસ ખાતે લોકોની ભીડ જામી છે.
પાલખીયાત્રા: મનોહરસિંહજીની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવી રહી છે. પાલખીયાત્રા પહેલા લોકોના દર્શને મૂકાયેલા તેમના પાર્થિવ દેહને રાજવી પોશાક પહેરાવવામાં આવ્યો છે. તેમના મૃતદેહ ઉપર રજવાડી છત્રી પણ મૂકવામાં આવી છે. તેમની અંતિમયાત્રા ચાંદીના રથમાં નીકળશે. એટલું જ નહીં આ યાત્રામાં રાજવીએ તલવારો સાથે જોડાશે.
પાલખીયાત્રાનો રૂટ: હજુર પેલેસ ખાતેથી દાદાની અંતિમ સફર શરૂ થશે. તેમના પાર્થિવ દેહને ચાંદીના રથમાં મૂકવામાં આવશે. બાદમાં તેમની પાલખીયાત્રા હાથીખાના, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસચોકી, ત્રિકોણબાગ, લાખાજીરાજબાપુના બાવલા, ભૂપેન્દ્ર રોડ, હાથીખાના થઈને રામનાથપરા અંતિમયાત્રા પહોંચશે. તેમને રાજવી પરંપરા પ્રમાણે નવ બંદૂકથી સલામી પણ આપવામાં આવશે.